૧૬મીએ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષપદ માટે ચૂંટણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ફેબ્રુઆરી 2026  |   2277

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે ખાલી પડેલ ઉપાધ્યક્ષના પદ માટે આગામી તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે તે અંગેનું સત્તાવાર નોટિફિકેશન ગુજરાત વિધાનસભા દ્વારા જાહેર કરાયું છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઇ ભરવાડે ગત તા. ૨૫ ડિસેમ્બરના રોજ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળીને જેઠાભાઈએ ઉપાધ્યક્ષ પદ પરથી પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. આ રાજીનામું આપવા માટે તેમણે સામાજિક અને રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાનું કારણ જણાવ્યું હતું. જેઠાભાઈ ભરવાડ અનેક સહકારી સંસ્થાઓ સાથે જાેડાયેલા છે. તેઓ શહેરાના ધારાસભ્ય ઉપરાંત નાફેડના ચેરમેન પણ છે. જેથી જેઠાભાઈએ કહ્યું હતું કે, તેઓ અનેક સંસ્થા સાથે કામ કરતા હોવાથી વ્યસ્ત રહે છું. તેમણે જણાવ્યું હતું કે, મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું હતું, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. વિધાનસભા ઉપાધ્યક્ષના ખાલી પડેલા આ પદ માટે ગુજરાત વિધાનસભા દ્વારા આજે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, આ ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-૧૧ અને ૧૦(૨) મુજબ હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. જેના અંતર્ગત ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ૧૩ ફેબ્રુઆરી બપોરે ૧૨ વાગ્યા પહેલાં તેમના ઉમેદવારી ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી દ્વારા બે દિવસ અગાઉ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને ગૃહની પ્રણાલી મુજબ ઉપાધ્યક્ષ પદ કોંગ્રેસને આપવા માટે માંગણી કરવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution