વડોદરા, તા.૧૨

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આવતીકાલે એમ.એસ. યુનિવર્સિટીની ડોનર્સ કેટેગરીની બે અને સ્કૂલ પ્રિન્સિપાલ અને સેકન્ડરી સ્કૂલ ટીચર્સ કેટેગરીની એક એક એમ ૪ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જાે કે, આ બંને કેટેગરીમાં પણ સત્તાધારી ટીમ એમએસયુ અને ભાજપપ્રેરિત સંકલન સમિતિના ઉમેદવારો વચ્ચે જંગ જામશે. યુનિ. તંત્ર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રતિષ્ઠાનો જંગ બનેલી એમ.એસ. યુનિ.ની સેનેટની અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ટીમ એમએસયુનો હાથ ઉપર રહ્યો છે. ત્યારે આવતીકાલે ૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જેમાં ડોનર્સ કેટેગરીની બે બેઠક માટે ૪ ઉમેદવારો નોંધાયેલ છે જેમાં કુલ ૧૬૪ મતદારોની ૩ બૂથમાં એમ.એસ. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે બપોરે ૧ થી ૪ દરમિયાન મતદાન યોજાશે અને ૪.૩૦ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે.જ્યારે સ્કૂલ પ્રિન્સિપાલ કેટેગરીની એક બેઠક માટે યોજાનારી ચૂટણી માટે કુલ ૧૧૬ મતદારોની ૨ બૂથમાં એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે બપોરે ૧૨ થી ૫ દરમિયાન મતદાન યોજાશે. જેમાં કુલ ૨ ઉમેદવારો મેદાનમાં છે અને મતગણતરી સાંજે ૫.૩૦ કલાકે એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવશે. ઉપરાંત સ્કૂલ સેકન્ડરી ટીચર્સમાં કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૯૪૨ મતદારો માટે ૯ બૂથમાં મતદાનની વ્યવસ્થા બપોરે ૧૨ થી ૫ દરમિયાન એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવી છેે અને મતગણતરી એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે સાંજે ૫.૩૦ કલાકે હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા આવતીકાલે યોજાનાર મતદાન સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાય તેમજ એક સાથે મતદાન માટે ભીડ થાય નહીં તેની તકેદારી સાથે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં વર્તમાન સેનેટનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ત્યારે આ ચાર બેઠકોની ચૂંટણી સાથે સેનેટની ૪૨ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ જશે.