શ્રીનગરમાં એન્કાઉન્ટરઃ સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા
30, ડિસેમ્બર 2020

શ્રીનગર-

કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૩ આતંકી ઠાર માર્યા છે. શ્રીનગરના લાવાપોરા વિસ્તારમાં મંગળવારે એન્કાઉન્ટર શરૂ કર્યું હતું, જે 15 કલાકથી વધુ ચાલ્યું. પોલીસે આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી, પણ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. હાલ ખબર પડી શકી નથી કે માર્યા ગયેલા આંતકીઓ કયા સંગઠનના છે. સર્ચ-ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે.

આ બધાની વચ્ચે પોલીસ અને આર્મીની ટીમે નિયંત્રણ રેખા પાસે બાલાકોટ ખાતે આવેલા મેંઢર સેક્ટરમાં ૨ પિસ્તોલ, 70 કારતૂસ અને ૨ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યાં છે. પૂંછના એસએસપી રમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આતંકીઓના પાકિસ્તાની હેન્ડલર્સે હથિયાર મોકલ્યાં હતાં. રવિવારે આતંકીઓના મદદગારોની ધરપકડ પછી હથિયારોની ખબર પડી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરક્ષાદળોએ આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 203 આતંકી ઠાર માર્યા છે, જેમાં 166 લોકલ અને 37 પાકિસ્તાની હતા. આ વર્ષે 49 આતંકીની ધરપકડ કરાઈ અને 9એ સરેન્ડર કરી દીધું. દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ આતંકી ઠાર મરાયા. શોપિયાં, કુલગામ અને પુલવામામાં સૌથી વધુ એન્કાઉન્ટર થયા. આ વિસ્તારમાં આતંકી સંગઠનોએ સ્થાનિક યુવાનોને વધુ ભરતી કર્યા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution