ભરૂચ, તા.૧૬ 

નર્મદા નદી વર્ષો પહેલા ભરૂચ તરફથી વહેતી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી તેના વહેણમાં બદલાવ આવ્યો હતો. નર્મદા નદીમાં આવતા પુરના કારણે અંકલેશ્વર તરફ થયેલી વહેતી નર્મદા નદીએ કિનારાના અનેક ગામોની ખેતીલાયક જમીનનું મોટાપાયે ધોવાણ કયંર્ુ છે. પ્રતિવર્ષ આ ધોવાણમાં વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર કિસાનો ઉપર થઈ રહી છે. જમીન ધોવાણથી પાયમાલીના આરે આવેલ કિસાનોની માંગણીને લઈ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે મુખ્યમંત્રીને પત્ર લખી નર્મદા કાંઠાની જમીનોના ધોવાણને રોકવા તથા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માટેની માંગણી ઉઠાવી છે. પત્રમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ બોરભાઠા ગામ અને સરફુદ્દીન સહીતના ગામોમાં નદી કિનારે છેલ્લા કેટલાય વર્ષોથી ભારે ધોવાણ થાય છે. આ બાબતે ખેડૂતોએ પ્રોટેક્શન વોલ માટેની ઉગ્ર મંાગ કરતા તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ કામ અપૂરતું, અવૈજ્ઞાનિક અને તાંત્રિક નિતિ-નિયમો અને ધારાધોરણોની વિરૂધ્ધ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠાવવામાં આવ્યો છે. પ્રોટેકશન વોલની કામગીરીન ઉદાસીનતાના કારણે જમીન બચાવવાનો જે હેતુ હતો તે પુરો થયો નથી. જેને લઈ તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી ૧૦.૭૨ લાખ ક્યુસેક પાણી છોડાતા ફરી એક વખત નર્મદા કિનારાની ખેતીલાયક જમીનનું ધોવાણ થયું છે. કિનારાની ફળદ્રૂપ જમીન એ જ એક માત્ર ખેડૂતોની આજીવિકાનું સાધન છે. જે છીનવાઈ જતાં કિસાનોને મોટો ફટકો પડ્યો છે.

તાજેતરમાં આવેલ નર્મદા નદીના પુરને માનવસર્જીત પુર ગણાવી ખેડૂત સમાજે કિસાનોને વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે. નર્મદા ડેમના દુષ્પ્રભાવના કારણે અને રાજ્ય સરકારના દુર્લક્ષના કારણે કિસાનો જમીનોનું ધોવાણ થતાં અઘોષિત વિસ્થાપિતો થયા છે. એટલંુ જ નહિં આ તમામ ગામોની જમીન સરદાર સરોવર પ્રોજેક્ટના કારણે ગયેલ હોય જમીન ગુમાવનાર કિસાનોને નર્મદા નિગમના ખીણ વિસ્તારના અસરગ્રસ્તો ગણવામાં આવે અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.