લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
1980
ઇન્દોર :ઇન્દોરમાં ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી, જેના કારણે ત્રણ માળની રહેણાંક ઇમારત લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં રબરના ઉદ્યોગપતિ મનોજ પુગલિયા અને તેમની ગર્ભવતી પુત્રવધૂ સિમરન સહિત આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાંથી છ મનોજના સંબંધીઓ હતા, જેઓ મંગળવારે બિહારના કિશનગંજથી આવ્યા હતા. આ ઘટના બુધવારે વહેલી સવારે ૩:૩૦થી ૪:૦૦ વાગ્યાની વચ્ચે બંગાળી સ્ક્વેર નજીક ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આગ ઘરની અંદર રાખેલા ગેસ સિલિન્ડરોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે તે એક પછી એક વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો. દરવાજા પર લગાવેલા ડિજિટલ લોક ખુલી શક્યા નહીં, જેના કારણે અંદર સૂતા લોકોને બચવાની કોઈ તક મળી નહીં.
રહેવાસીઓએ અહેવાલ આપ્યો કે ફાયર બ્રિગેડની ગાડીઓ ચેતવણી આપ્યાના લગભગ એક કલાક પછી ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવારે તિલક નગર મુક્તિધામ ખાતે મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા. એક સાથે સાત ચિતાઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ખૂબ જ પ્રયાસો પછી અંદર ફસાયેલા લોકો સુધી પહોંચ્યાં પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. આ દુ:ખદ અકસ્માતે ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરતી વખતે લેવાતી સાવચેતીઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ઇન્દોરના કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું હતું કે, મનોજ નામના એક ઉદ્યોગપતિના ઘરમાં આગ લાગી હતી. તેમના ઘરની બહાર ઇલેક્ટ્રોનિક્સ વાહન ચાર્જ થઇ રહ્યું છે. તેના કારણે શોર્ટ સર્કિટ થયું અને ત્રણ માળનું ઘર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગયું હતું. ઘટનાસ્થળે ૧૦ થી વધુ લોકો હાજર હતા, જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ૮ અન્ય લોકોના મોત થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારને ૨ લાખ અને ઘાયલોને ૫૦,૦૦૦ની સહાયની જાહેરાત કરી હતી.
ઈન્દોર બાદ દિલ્હીમાં ૪ માળની ઈમારતમાં આગથી ૯નાં મોત
દિલ્હીના પાલમ વિસ્તારના સાધ નગરમાં બુધવારે વહેલી સવારે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાલમના સાધ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં સવારે ૭ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જાેતજાેતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું, જેમાં એક જ પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસને સવારે ૭ વાગ્યે આગની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ૩૦ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ઈમરજન્સી સેવાઓની મદદથી ઈમારતમાં ફસાયેલા ૯ જેટલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને બિલ્ડિંગમાંથી આવતા ચીખ-પુકારને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા એટલા પ્રચંડ હતા કે બચાવ માટે અંદર જવું અશક્ય બની ગયું હતું.દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, આગ રહેણાંક મકાનમાં લાગી હતી અને તેમાં ફસાયેલા લોકો પૈકી ૯ લોકોના મોત થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.