વડોદરા, તા. ૧૪

શહેરના છેવાડે હાઈવેની અડીને આવેલી છાણી વિસ્તારની સોસાયટીઓમાં ચડ્ડી-બનિયનધારી ટોળકીના આતંકથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગત રાત્રે પણ છાણી વિસ્તારની આંગણ સોસાયટીમાં ચડ્ડી-બનિયનધારી ટોળકી ત્રાટકી હતી પરંતું સોસાયટીના રહીશો જાગી જતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. એક તબક્કે સોસાયટીના રહીશો અને ટોળકી વચ્ચે પકડદાવથી ઉત્તેજના ફેલાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છાણી વિસ્તારમાં હાઈવે નજીક આવેલી સોસાયટીમાં લાંબા સમયથી તસ્કરો અને ચડ્ડી-બનિયનધારી લુંટારુ ટોળકી વારંવાર ત્રાટકીને ચોરી-લુંટ કરીને ફરાર થઈ જાય છે. તાજેતરમાં ચડ્ડી-બનિયનધારી ટોળકીએ છાણી-કેનાલરોડ પર આવેલી પ્રિત બંગ્લોઝમાં રહેતા વેપારીના મકાનમાંથી રોકડ અને સોનાચાંદીના દાગીના ભરેલુ આખેઆખુ લોક ઉઠાવી જઈ ૧૩ લાખની મત્તાની ચોરી કરી કરવામાં સફળ રહેતા તેઓની હિમ્મત ખુલી ગઈ છે.

ગત મધરાતે તસ્કર ટોળકી છાણી વિસ્તારમાં આવેલી આંગણ સોસાયટીમાં હથિયાર સાથે ત્રાટકી હતી. જાેકે ટોળકી એક મકાનની દિવાલ કુદીને ચોરી કરવા માટે અંદર ઘુસી હતી પરંતું પાડોશી તેઓને જાેતા જ તેણે બુમરાણ મચાવી હતી. આ બુમરાણના પગલે સોસાયટીના રહીશો ભેગા થતાં ટોળકી તુરંત દિવાલ ફંગોળીને સોસાયટીની પાછળ આવેલા ખેતરવાળા રસ્તેથી પલાયન થઈ હતી. એક તબક્કે સોસાયટીના રહીશોએ ટોળકીને પડકાર ફેંકી પકડવાનો પ્રયાસ કરતા ઉત્તેજના ફેલાઈ હતી. આ બનાવની જાણ થતાં છાણી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતું પોલીસને પણ ટોળકીનો કોઈ પત્તો મળ્યો નહોંતો. ચડ્ડી-બનિયનધારી ટોળકી વારંવાર ચોરી-લુંટ કરવા માટે આવતી હોઈ આ વિસ્તારમાં રાત્રે કાયમી પોલીસ પોઈન્ટ રહે તેવી રહીશોએ માંગણી કરી છે.