વડોદરા, તા.૨૫

શીશી સુંઘાડ્યા વગર સર્જરી કરવાની કાર્યશૈલીમાં માનતા ડોકટરની પોતાની જ સર્જરી શીશી સુંઘાડ્યા વગર તેમના જ ‘દવાખાના’ના સ્ટાફે કરી નાખતા અકળાઈ ગયેલા ડોકટરે પોતાની વેદના અને ધમકીયુક્ત અભિવ્યક્તિ ફેસબુક પર પોસ્ટ કર્યાની વાત આજે ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. પ્રાથમિક દૃષ્ટિએ સાવ નિર્દોષ લાગતી એક પોસ્ટ આજે વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે પોતાના ફેસબુક પેજ પર મુકી હતી જેમાં તેમણે એક પ્રસિદ્ધ ગુજરાતી ગીતના શબ્દો ‘મારી કોઈ ડાળખીમાં પાંદડું નથી, મને પાનખરની બીક ના બતાવશો’ પાંદડાની તસવીર સાથે સૂચક રીતે મૂકતાં આ આખી બાબત ચર્ચાનો વિષય બની છે.

આધારભૂત સાધનોના જણાવ્યા અનુસાર તાજેતરમાં કોરોના ગાઈડલાઈનના છડેચોક ઉલ્લંઘન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે દિવાળી નિમિત્તે યોજાયેલ ‘સ્નેહમિલન’ સમારંભ પૂરો થયા બાદ વડોદરાના લગભગ તમામ ધારાસભ્યો-સાંસદ સહિત સંગઠનના પણ અન્ય અનેક અગ્રણીઓએ સામૂહિક રીતે શહેર પ્રમુખ ડો. વિજય શાહની કાર્યશૈલી સામે મુખ્યમંત્રીને ગંભીર ફરિયાદો કરી હતી. એટલું જ નહીં, કાર્યક્રમને સફળ બનાવી તેનો જશ એકલે હાથે ખાટવાના આશયથી શહેર પ્રમુખે વધુમાં વધુ સંખ્યાબળ એકઠું કરવા કાર્યકરો-વોર્ડ પ્રમુખોને રીતસર ધમકીઓ આપી હોવાની પણ ગંભીર ફરિયાદો કરાઈ હતી.

આ ગંભીર ફરિયાદો સંગઠનમાં ઉચ્ચસ્તરે પહોંચતાં ડો. વિજય શાહને ટપારવામાં આવ્યા હોવાનું આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, સૌને સાથે રાખી ચાલવા અને પાલિકાની બાબતોમાં બારોબાર પાલિકાના શાસકોની ઉપરવટ નહીં જવાનો સ્પષ્ટ આદેશ આપી દેવાયો હોવાનું ચર્ચાય છે.

આ સંજાેગોમાં પોતાની પ્રતિભાને ખરડવાનો અને પોતાનું કદ ઘટાડવાનો પ્રયાસ કરનાર પોતાના તમામ વિરોધીઓને ગર્ભિત રીતે ડો. વિજય શાહે આજે એવો જવાબ આપ્યો હોવાનું મનાય છે કે મને સત્તાની લાલસા નથી એટલે મારી સત્તા છીનવાઈ જશે એવી બીક મને બતાવવાની જરૂર નથી. જાે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાવાર ઉમેદવારી ન મળે ત્યાં સુધી તો એમણે શહેર પ્રમુખનો હોદ્દો જાળવવો જ પડશે, નહીં તો બાવાના બેઉ બગડે તો? એવી દહેશત તેમના હિતેચ્છુઓ અને નિકટના સમર્થકોમાં સેવાઈ રહી છે.