‘સંસ્કારી’ નગરી માટે મેયર શોધવા ‘શિસ્તબદ્ધ’ કવાયત

વડોદરા, તા.૨

વડોદરા કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોઈ નવા હોદેદારોની નિમણૂક માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમે વડોદરા આવીને સેન્સ મેળવ્યો હતો.સયાજીગંજ સ્થિત ભાજપા કાર્યાલય ખાતે ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમ દ્વારા સવારથી એક પછી એક વોર્ડના કાઉન્સિલરોના અભિપ્રાયો લેવાની શરૂઆત કરી હતી. જ્યારે મોડી સાંજે સાંસદ, ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોના સેન્સ મેળવ્યા હતા.અને શહેર ભાજપાની સંકલન સમિતીની બેઠક બાદ નામોની પેનલ નક્કી કરાઈ હોવાનું જાણવા મળે છે. હવે આ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે.

આગામી ૯ સપ્ટેમ્બરે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના વર્તમાન બોર્ડની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે મેયર, ડેપ્યૂટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમન પદના ત્રણ મહત્વના હોદ્દો મેળવવા માટે ઈચ્છુક કાઉન્સિલરોએ એડીચોટીનું જાેર લગાવી દીધું છે. વડોદરાને આગામી અઢી વર્ષ માટે નવા મેયર, ડેપ્યૂટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન પદ માટે કાઉન્સિલરોનો અભિપ્રાય જાણવા માટે આજરોજ સવારે પ્રદેશ નિરીક્ષકો પૂર્વ સાંસદ દિપક સાથી (પટેલ), ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબહેન પટેલ વડોદરા આવી પહોંચ્યા હતા. અને સયાજીગંજ મનુભાઇ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે એક પછી એક વોર્ડના કાઉન્સિલરો, પ્રભારીઓને બોલાવી તેમના સેન્સ મેળવ્યાં હતા.

સાંજે નિરીક્ષકોએ સાંસદ, ધારાસભ્યો અને શહેર ભાજપા સંગઠનના હોદેદારોની સાથે ચર્ચા કરીને તેમના સેન્સ મેળવ્યાં હતા.શહેર ભાજપાની સંકલન સમિતીની બેઠકમાં પાલિકામાં પાંચ હોદ્દાઓ માટે નામોની પેનલ નક્કી કરાઈ હોવાનું જાણવા મળે છે. આ નામો નિરીક્ષકો દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે.

જાેકે, મળતી વિગત મુજબ સેન્સ પ્રક્રિયામાં કેટલાંક કાઉન્સિલરોએ વડોદરાને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં અને શહેરનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા હોદ્દેદારો મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. નિરીક્ષક દિપક સાથી એ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષની મેયર, ડેપ્યૂટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની ટર્મ પૂરી થઇ રહી છે. ત્યારે વડોદરાને નવા મેયર, ડેપ્યૂટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન આપવા માટે કાઉન્સિલરોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. દરેક હોદ્દા માટે ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે અને પ્રદેશમાં સોંપવામાં આવશે. તે બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નામો નક્કી કરવામાં આવશે. અને જે દિવસે ચૂંટણી યોજાશે તે દિવસે જે તે હોદ્દા માટેના નામની જાહેરાત કરવામાં આવશે.

મેયર પદ માટેના

કોણ કોણ દાવેદાર

મેયરપદ માટે હેમિષા ઠક્કર, સંગીતા ચોકસી, સ્નેહલ પટેલ, જ્યોતી પટેલ, સુરુતા પ્રધાનું નામ ચર્ચામાં છે, તો ડે. મેયર નંદા જાેશીને મેયરપદ માટે પ્રમોટ કરાય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. ડે.મેયર પદના દાવેદારો

 ડે.મેયરપદે ચિરાગ બારોટ, ઘનશ્યામ પટેલ, નીતિન દોંગા, શૈલેષ પાટીલ, રાજેશ પ્રજાપતિ અને મનીષ પગાર સહિતનાના નામો ચર્ચામાં છે.

સ્ટેન્ડિંગ કમીટિના ચેરમેનના દાવેદારો

સ્થાયી સમિતિના ચેરમેનપદે ડો. રાજેશ શાહ, અજિત દધીચ, મનોજ પટેલ, ડો. શીતલ મિસ્ત્રી, ચિરાગ બારોટના નામો ચર્ચામાં છે. આ સિવાય ડો. હિતેન્દ્ર પટેલને રિપીટ કરાય તેવી પણ શક્યતા છે.