વડોદરા, તા.૭

વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાએ આજે મ્યુનિ. કમિશનર, દબાણ ટીમ, પોલીસ ટીમ સાથે પદમાવતી શોપિંગ સેન્ટર અને તેની આસપાસના વિસ્તારમાં સરપ્રાઈઝ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતાં પથારાવાળાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પાલિકાએ પાંચ ટ્રક સામાન અને બે કોન્ક્રિટ મિક્સર મશીનો જપ્ત કર્યા હતા. પરંતુ બીજી તરફ શહેરનો એકપણ રાજમાર્ગ દબાણમુક્ત નથી. ત્યારે મેયર ત્યાં ક્યારે જશે? તેવી ચર્ચા થઈ રહી છે.

શહેરના મંગળ બજાર વિસ્તારના લારી, ગલ્લા, પથારાના દબાણો અગાઉ અનેક વખત દૂર કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાર પછી ગણતરીના દિવસોમાં સ્થિતિ જૈસે-થે જાેવા મળે છે. ત્યારે આજે મેયરે લહેરીપુરા, પદરમાવતી શોપિંગ સેન્ટરની પાછળના ભાગે તેમજ ન્યાયમંદિરની આસપાસ મ્યુનિ. કમિશનર, ડે. મેયર, સ્થાનિક કાઉન્સિલરો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ ટીમનો કાફલો લઈને પહોંચતાં લારી-ગલ્લા, પથારાવાળાઓમાં નાસભાગ મચી ગઈ હતી. સરપ્રાઈઝ વિઝીટ કરીને દબાણ ટીમે એકાએક લારી-ગલ્લા, પથારા ઉપાડવાનું શરૂ કરતાં પથારાવાળાઓએ તેમનો સામાન જપ્ત થતો બચાવવા તરત જ ખસેડવાની શરૂઆત કરી હતી.

પાલિકાની દબાણ ટીમે રપ૦ જેટલા હંગામી પથારાઓ દૂર કરીને પાંચ ટ્રક સામાન અને ન્યાયમંદિર પાસે પડી રહેલા બે કોન્ક્રિટ મિકસર મશીન જપ્ત કર્યા હતા. જાે કે, સાંજે કેટલાક લારી-ગલ્લા, પથારાવાળાઓ ફરી ત્યાં જ લાગી ગયા હતા. મેયરે સરપ્રાઈઝ કરેલી કામગીરીમાં રસ્તો ખૂલ્લો કરી ટ્રાફિકની અવરજવર ચાલુ કરાવી હતી.પરંતુ બીજી તરફ વડોદરા શહેરમાં લગભગ ૭૦ થી ૮૦ હજારથી વધુ લારી-ગલ્લા, પથારાવાળાઓ છે. શહેરનો એકપણ રાજમાર્ગ દબાણમુક્ત નથી. ત્યારે મેયર ત્યાં ક્યારે જશે? મેયર જાતે ગયા અને રસ લીધો તે સારી વાત છે, પણ શું આ જ રીતે દબાણો દૂર થશે તેમ હોય તો આપે રોજેરોજ રસ્તાઓના દબાણો દૂર કરવા જવું જાેઈએ તેવી ચર્ચાઓ પણ પાલિકાવર્તુળોમાં થઈ રહી છે.

ગત બોર્ડમાં પદમાવતી શોપિંગ સેન્ટર પાછળનો રસ્તો ખૂલ્લો કરાયો હતો

વડોદરા શહેરનું મંગળ બજાર એ પથારાઓ માટે જાણીતું છે. ગરીબો માટે તે મોલ સમાન છે. ગરીબો ત્યાં મોટી સંખ્યામાં ખરીદી માટે આવે છે, માલેતુજારો નહીં. ત્યારે ગત બોર્ડમાં સતીષ પટેલ જ્યારે સ્થાયી સમિતિના ચેરમેન હતા ત્યારે પદમાવતી શોપિંગ સેન્ટર રોડ પર એંગલો મારીને પાછળનો રસ્તો વાહનોની અવરજવર માટે શરૂ કરાવ્યો હતો. સીટીબસ પણ આ રસ્તે શરૂ કરાવી હતી પરંતુ ગણતરીના દિવસોમાં એંગલો ફરી કાઢી નાખવી પડી હતી.

અગાઉ સિકયોરિટી અને બાઉન્સરો મૂકયા હતા

મંગળ બજાર અને આસપાસ થતા લારી-ગલ્લા, પથારાવાળાઓના દબાણો ભરત ડાંગર મેયર હતા ત્યારે દૂર કરાવ્યા હતા અને ત્યાર બાદ ફરી દબાણો ન થાય તે માટે રાઉન્ડ ધી ક્લોક પદમાવતી શોપિંગ સેન્ટરની આસપાસ સિકયોરિટીની સાથે બાઉન્સરો પણ મૂકવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર પછી સ્થિતિ જૈસે-થે થઈ ગઈ હતી.