પાદરા, તા.૩૧

પાદરા તાલુકાના એકલબારા ગામે ઓનિરો લાઈફ કેર પ્રા. લિમિટેડ કંપનીના ઈ.ટી.સી પ્લાન્ટમાં પ્રચંડ ધડાકો થતા ત્રણ કામદારોના મોત નીપજ્યાં હતા. જ્યારે બે કામદારોને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવની જાણ થતા જ સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ધડાકો થવાના કારણો જાણવાની તજવીજ હાથ ધરી હતી. ઓનિરો લાઈફ કેર કંપનીમાં કઈ સ્થિતિમાં બ્લાસ્ટ થયો હતો ? તેનો જવાબ મેળવવા માટે પોલીસ મથામણ કરી રહી છે. દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોતથી પાદરા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ત્રણે કામદારો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના છે.

પાદરા તાલુકાના એકલબારા પાસેની ઓનિરો લાઈફ કેર પ્રા. લિમિટેડ કંપનીના ઈ.ટી.સી પ્લાન્ટમાં આજે બપોરે ૧.૪૫ વાગ્યે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જબરધસ્ત હતો કે, આખીય કંપની ધણધણી ઉઠી હતી. આસપાસના ગામોમાં પણ ધડાકાનો અવાજ સંભળાયો હતો. ધડાકો થતાની સાથે જ કેમિકલ પ્લાન્ટમાં કામ કરી રહેલા ચાર શ્રમજીવીએ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવની જાણ થતા જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીના અન્ય કર્મચારીઓ હેબતાઈ ગયા હતા. શરૂઆતમાં તો શું કરવું ? એની જ કોઈને ખબર પડી ન હતી. થોડી વાર રહીને કેમિકલ પ્લાન્ટમાં તપાસ કરવામાં આવતા અંદરથી પાંચ કામદારો મળી આવ્યા હતા. તેઓ ગંભીર રીતે દાઝેલા હતા. જેથી સમય વેડફ્યાં વિના તેઓને સારવાર માટે વડોદરા મોકલી દેવાયા હતા. વડોદરાના અટલાદરા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં પાંચેયને દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, ગણતરીની મિનિટોમાં જ એક પછી એક ત્રણ કામદારોના મોત નીપજ્યાં હતા. જ્યારે બેકામદારોની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ હતુ. એકલબારાની ઓનિરો લાઈફ કેરમાં ધડાકો થયો હોવાની જાણ થતા જ જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જાેકે, પોલીસ પહોંચી તે સમયે દાઝેલા કામદારોને હોસ્પિટલમાં ખસેડી દેવાયા હતા.

પોલીસે કંપનીના કેમિકલ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટની તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્લાન્ટના ક્યાં વિભાગમાં કેવી રીતે બ્લાસ્ટ થયો? તે જાણવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસે હાલમાં ત્રણ કામદારોના મૃત્યુ અંગે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. જાે, આ દુર્ઘટનામાં કંપનીના સંચાલકોની બેદરકારી બહાર આવશે તો તમામ સામે ગુનો દાખલ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસના અધિકારીએ જણાવ્યુ હતુ. એકલબારાની કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ કામદારોના મોતની ઘટનાને ગંભીરતાથી લઈને વડોદરા જિલ્લા કલેક્ટરે જાતે તેનું મોનટરિંગ કર્યું હતુ અને મોડીસાંજે પત્રકારોની સાથે વાતચીત કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, કંપનીના માલિકનું નામ દુષ્યંત ડાહ્યાભાઈ પટેલ છે અને જરૂર પડ્યે એમની પૂછપરછ કરવામાં આવશે તેવુ સૂત્રોએ જણાવ્યુ હતુ.

જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ સેફટી દ્વારા તપાસ શરૂ

પાદરા તાલુકાના એકલબારા ખાતે કાર્યરત ફાર્મા કંપનીમાં બનેલી અકસ્માતની ઘટના બાબતે જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, કેમિકલ કંપનીમાં બનેલા અકસ્માત ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણ કર્મચારીના દુઃખદ નિધન થયા છે. જયારે ચોથા કર્મચારીની સારવાર હાલ ચાલી રહી છે, જેમની તબિયત સુધારા પર હોવાનું તબીબોનું કહેવું છે. બીજી તરફ ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તેની સાથે સાથે જ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. જેઓ દ્વારા નિયમો અનુસાર તપાસ પૂર્ણ કરી મને અહેવાલ સુપરત કરવામાં આવશે. જેના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.

કંપનીના અધિકારીઓએ બોલવાનો ઈનકાર કરી દીધો

પાદરા તાલુકાના એકલબારામાં આવેલી વનાઈરો લાઈફકેર કંપનીમાં ૨૦૦થી વધારે કામદારો કામ કરે છે. કંપનીમાં કુલ ચાર પ્લાન્ટ આવેલા છે. જેમાં બોઈલર અને એન-૨ જેવા પ્લાન્ટનો સમાવેશ થાય છે. આજે થયેલા વિસ્ફોટ બાદ કંપનીનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. મોડીરાત્રે કંપનીના અધિકારીઓ દુર્ઘટના અંગે કશુ બોલવા તૈયાર ન હતા. લોકસત્તા જનસત્તાએ કંપનીના એકલબારા પ્લાન્ટના અધિકારીનો સંપર્ક કરવાની કોશિષ કરી ત્યારે તેમણે કહ્યુ હતુ કે, કંપનીના સંચાલકોએ અમને કશું કહેવાની મનાઈ કરી છે.

પ્રજ્ઞાચક્ષુ પિતા અને દિવ્યાંગ માતાએ પુત્ર ગુમાવ્યો

પાદરા તાલુકાની કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ચાર જેટલા કર્મચારીઓ ઘાયલ થયા છે. જ્યારે ત્રણ જેટલા કર્મચારીઓનો મૃત્યુ પામ્યા છે. ત્રણ લોકોના મૃત્યુમાં એક તો ફક્ત ૨૦ વર્ષીય ઉમરનો કર્મચારી છે, જેના પિતાને અંધાપો છે જયારે માતા શરીરથી અંપગ છે. આ યુવક ઘરનો મોભી હતો જેનું મૃત્યુ પામ્યું છે તે ઘરના પરિવાર પર આભ તુટી પડ્યુ છે. કંપનીમાં થયેલો બ્લાસ્ટ કુદરતી નથી તે માનવસર્જીત બ્લાસ્ટ છે. માટે કંપનીના સંચાલક સામે માનવધનો ગુનો નોંધવો જાેઇએ તેવુ સામાજિક કાર્યકર લખન દરબારે જણાવ્યુ હતુ.

બૉઇલરમાંથી ગેસ લીક થતાં બ્લાસ્ટ થયો

પાદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર તડવીએ જણાવ્યું હતું કે, કંપનીમાં આવેલા બોઇલરમાં ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ કર્મચારીઓનું મૃત્યુ થયુ હતુ. જ્યારે બે કર્મચારી ઘાયલ થતા પાંચેય કર્મચારીઓને વડોદરાની અટલાદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આવતી કાલે એફએસએલની ટીમ આવીને તપાસ કરવામાં આવશે.

મૃતકોના પરિવારજનોને ૨૫ લાખ રૂપિયાની સહાય

એકલબારાની ઓનેરો લાઈફ કેર કંપનીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટની ખબર મળતા જ કંપનીના સંચાલકો ચોંકી ઉઠ્‌યાં હતા. અને તેમણે બ્લાસ્ટમાં દાઝી ગયેલા કામદારોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જાેકે, ત્રણ કામદારોના મોત થતા કંપનીના સંચાલકોએ દરેકના પરિવારને પચ્ચીસ-પચ્ચીસ લાખની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ઈએસઆઈ દ્વારા મળવાપાત્ર રકમ પણ મૃતકોના પરિવારજનોને મળશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ.

મૃતકના પરિવારજનોને

૫૦ લાખનું વળતર ચૂકવો

મૃતક ઠાકોર રાવજીભાઇ પરમારના નાના ભાઇ શૈલેષભાઇ રાવજીભાઇ પરમારે જણાવ્યું હતું કે, મારા મોટા ભાઇ અમારા ઘરના મોભી હતા. તેમની આવક પર જ પરિવારનું ગુજરાન ચાલતુ હતુ. તેઓ છેલ્લા પાંચ વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા. આજરોજ તેઓ ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા. ત્રણ વાગે જ્યારે મારા માસીના છોકરાનો ફોન આવ્યો ત્યારે અમને બનાવની જાણ થઇ હતી. અમે કંપનીમાં ફોન કર્યો તો અમને જણાવ્યુ કે, તે લોકોને દવાખાને લઇ ગયા છે. પરંતુ ક્યા દવાખાને લઇ ગયા તેની તેમને ખબર ન હતી. જેથી અમે કંપની પર ગયા અને મેનેજર જાેડે વાત કરી ત્યારે ખબર પડી કે મારા ભાઇને અટલાદરાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા છે. અમે આ હોસ્પિટલમાં આવ્યા ત્યારે ખબર પડી કે મારો ભાઇનું મોત થયુ છે. એ જ અમારો આધાર હતો. એના મૃત્યુ માટે પરિવારને ૫૦ લાખ રૂપિયાનું વળતર મળવુ જાેઈએ.

કંપનીમાં દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટર એક્શનમાં

 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કલેકટર જગ્યા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગત શહેર જિલ્લામાં બનતા તમામ ડિઝાસ્ટરની જવાબદારી જિલ્લા કલેકટરની બનતી હોય છે. ત્યારે બન્ને એક્ટનું પાલન કરવામાં જિલ્લા કલેકટર સંદતર નિષ્ફ્ળ નીવડ્યા છે. જે તાજેતરમાં હરણી લેક ઝોનમાં બનેલી બોટ દુર્ઘટનામાં પુરવાર થયું છે. જેથી આજે પાદરાના એકલબારાની કેમિકલ કંપનીમાં અકસ્માતની ઘટના બન્તાની સાથે જ જિલ્લા કલેકટર એક્શનમાં આવી ગયા હતા. કલેકટર અતુલ ગોર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અનુસાર ત્વરિત પગલાં લઇ તપાસ પણ શરૂ કરાવી દેવામાં આવી છે.