વડોદરા, તા.૧૦

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લાં બે-ત્રણ દિવસથી વાદળિયા વાતાવરણ રહ્યા બાદ એકાએક ઠંડીનો ચમકારો વધતા લોકો ઠુંઠવાયા હતા. તેમાંય ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાયેલા ઠંડા પવન અને તાપમાનનો પારો ગઈકાલની સરખામણીમાં વધુ નિચે ગગડતા ૮.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ સાથે આજે પણ સિઝનનો કોલ્ડેસ્ટ-ડે નોંધાયો હતો.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હેઠળ વડોદરામાં પણ છેલ્લા બે ત્રણ દિવસ વાદળિયા વાતાવરણ વચ્ચે અમીછાંટણાં થયા બાદ એકાએક ઠંડીનો ચમકારો વધ્યો હતો. ઉત્તર તરફથી બર્ફિલા પવન ફૂંકાવાની સાથે મહત્તમ અને લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ગગડતાં રાત્રિના ૧૦ વાગે કરફયૂ શરૂ થાય તે પૂર્વે જ મોટાભાગના માર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. રવિવારે ૯.૨ ડિગ્રી તાપમાન સાથે મોસમનો કોલ્ટેસ્ટ ડે નોંધાયા બાદ આજે તાપમાન વધુ નિચે ગગડતા રાત થતા મોટાભાગના માર્ગો સૂમસામ થઈ ગયેલા જાેવા મળ્યા હતા.અને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવા ઠંડીના સપાટાને પગલે સવારે પણ માર્ગો પર સામાન્ય કરતા અવર જવર ઓછી જાેવા મળી હતી.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મહત્તમ તાપમાન ર૪.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૮.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા જે સાંજે ૪૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૨ મિલિબાર્સ અને ઉત્તર-પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૧ કિ.મી. નોંધાઈ હતી.