લસકાણાના ક્રિસ્ટલ બંગલોઝમાંથી ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવતું કારખાનું ઝડપાયું
07, ઓગ્સ્ટ 2025 3564   |  

સુરત શહેરનાં લસકાણા અને સરથાણા વિસ્તાર ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ બનાવવા અને વેચવા માટેના હબ બની રહ્યા હોય એવી વધુ એક ઘટના પોલીસ ચોપડે ચઢી છે. ડીસીપીની એલસીબીએ ડુપ્લિકેટ રજનીગંધા અને તુલસી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડ્યા બાદ હવે ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાનું કારખાનું શોધી કાઢ્યું છે. ક્રિસ્ટલ બંગલોમાં દરોડો પાડી ટુ વ્હીલર વાહનોના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવતાં નવનીત ઠુમ્મરને પકડી ૬.૩૮ લાખની મતા કબજે લીધી હતી. ડીસીપી આલોક કુમારે તેમની એલસીબીને ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી તેને માર્કેટમાં વેચી ખરીદી કરનારા ગ્રાહકો અને જે તે પ્રોડક્ટ બનાવતી કંપની સાથે ચીટિંગ કરતાં તત્વોને શોધી કાર્યવાહી માટે કામે લગાવી હતી. આ દિશાની તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરિસિંહ અને આનંદકુમારને એવી બાતમી મળી હતી કે, પાસોદરા કેનાલ રોડ, બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલ ક્રિસ્ટલ બંગ્લોઝના શેરી -૨માં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવાઈ રહ્યું છે. બાતમી અંગે ખાનગી રાહે તપાસ કરાતાં એવું જાણવા મળ્યું હતું કે, નવનીત ઠુમ્મર નામનો વ્યક્તિ બજારમાંથી હલકી ગુણવત્તાના જથ્થાબંધમાં સસ્તા ભાવે મળતા ઓઇલ લાવી તેમાં આવશ્યક ભેળસેળ કર્યા બાદ જુદી જુદી કંપનીઓના ડબ્બામાં પેક કરી વેચાણ કરી રહ્યો છે. બાતમી કન્ફર્મ થયા એલસીબીએ બંગલા નંબર ૩૩ માં રેડ કરી હતી. ત્યાં તપાસ દરમિયાન જુદી જુદી ટૂ વ્હીલર મોટર સાયકલના ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનવાનું કારખાનું મળી આવ્યું હતું. આ ગોરખ ધંધો કરતાં નવનીત જસમતભાઈ ઠુમ્મર (રહે- બંગલા નંબર ૨૨, શેરી નંબર, ૨ ક્રિસ્ટલ બંગ્લોઝ, કેનાલ રોડ ) ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંગલોમાંથી સર્વો ૪- ટી, બીએસ ૬ ઓઇલ, હીરો જેન્યુન ૪ ટી પ્લસ, સર્વો, પ્રોઇન્ડીયા, એનટીએસ લ્યુબ્રિકેન્ટ, કેસ્ટ્રોલ એક્ટિવ સહિત અલગ અલગ પ્રકારના ઓઈલના નામ અને માર્કાવાળા ખાલી, ભરેલા ડબ્બાઓ, ડબ્બા પેક કરવા માટેના મશીન, પેકિંગ માટે પુઠ્ઠાના બોક્સ, જથ્થા અને ડબ્બા તેમજ પેકીંગ માટેના પુંઠાના બોક્સ સહિત કુલ્લે રૂ.૬.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવનીતે પોલીસને જણાવ્યું હતુ કે, તે ઓઇલના આ ડબ્બા નાના ગેરેજવાળાઓને સસ્તા ભાવે સપ્લાય કરતો હતો. વધું તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, નવનીત ઠુમ્મર વાહનચોરીના ઘણાં ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. કામરેજ પોલીસ મથકમાં તેની સામે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. વર્ષ ૨૦૨૭માં નવરાત્રિ દરમિયાન છેડતી કરવા મુદ્દે એક યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાની પોલીસ ચોપડે નોંધાયેલી ધટનામાં પણ આ નવનીત ઠુમ્મરની ધરપકડ થઇ હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution