વડોદરા, તા.૩૧

આજે વિદાય લેતા વર્ષના અંતિમ દિવસે સરકારી-અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓમાં નહિવત્‌ હાજરી જાેવા મળી હતી. ઠંડીનું જાેર વધતાં ડાન્સ, ડ્રીંક અને ડીનર, થ્રીડી પાર્ટીઓના શોખીનો થનગની રહ્યાહતા. શહેર-જિલ્લા પોલીસતંત્ર દ્વારા સવારથી જ બાજનજર અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની જુદી જુદી ટીમોએ શહેર-જિલ્લાની હોટેલો, રિસોર્ટ અને ફાર્મ હાઉસોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. નશો કરેલા અને રોમિયોને ઝડપી પાડવા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આવી રહેલા વર્ષ ૨૦૨૨ને જુસ્સાભેર આવકારવા માટે વર્ષના અંતિમ દિવસ એટલે કે ૩૧મી ડિસેમ્બર-થર્ટી ફર્સ્ટને ઉજવવા માટે શહેરીજનોમાં અનેરો થનગનાટ જાેવા મળ્યો હતો. વર્ષના અંતિમ દિવસને મનાવવા અને નવા વર્ષને આવકારવા માટે કેટલાક લોકો વહેલી સવારથી જ દીવ, દમણ તેમજ ગુજરાત બહાર આવેલ રિસોર્ટ અને હોટલોમાં જવા રવાના થયા હતા. તો વળી કેટલાક લોકો આગલી રાત્રે જ રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરે દારૂની થતી રેલમછેલને ધ્યાનમાં લઇ શહેર-જિલ્લા પોલીસતંત્ર દ્વારા છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી આવતો દારૂ પકડવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી લવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં શહેર-જિલ્લા પોલીસને સફળતા મળી હતી. આમ છતાં શહેર-જિલ્લામાં ઠલવાઇ ગયેલ દારૂનું વેચાણ ન થાય તે માટે પણ વોચ ગોઠવી દેવામાં આવી હતી. પરિણામે નાના-મોટા બૂટલેગરોમાં ફફડાટ

ફેલાઇ ગયો છે.

જાે કે, પોલીસની ધોંસ હોવા છતાં શહેર-જિલ્લામાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે.

પરંતુ વડોદરામાં દારૂબંધી છતાં ગેરકાયદે વેચાતા દારૂના ભાવો વધુ થઇ ગયા હોવાથી અને પોલીસતંત્ર દ્વારા બાજનજર હોવાના કારણે થ્રીડી પાર્ટીના શોખીનો વડોદરા છોડી દીવ, દમણ, અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જવા રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક લોકો તો પોલીસ ન પહોંચે તે રીતે પાર્ટીઓનું આયોજન કરી રહ્યા છે. તો કેટલાકે ગુજરાતની બહાર આવેલા રિસોર્ટ અને હોટલો ભાડે કરીને થ્રીડી પાર્ટીઓનું આયોજન કર્યું હોવાનું

જાણવા મળ્યું છે.

શહેરમાં પ્રવેશતાં દરેક માર્ગો અને બ્રિજ નીચે મળી પ૦ જગ્યાએ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરાયું

શહેર પોલીસ દ્વારા આજે ૩૧મી ડિસેમ્બર-થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને નશો કરેલાઓ અને રોમિયોને પકડવા માટે એક્શન પ્લાન બનાવાયો હતો. પૂર્વ ઝોન વિસ્તારમાં ૩૭ પોઈન્ટ કુલ ૬ શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતાં મુખ્ય માર્ગો ઉપર અને બ્રિજની નીચે પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ દ્વારા કુલ ૧૭ બ્રેથ એનેલાઈઝર મશીનો સાથે ડ્રીંક અને ડ્રાઈવનું રાત્રિના ૧૦ વાગ્યા સુધીમમાં ૧૭૦૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.