ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર પત્રકારો સાથે વાત કરતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યુ કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે, તે વિસ્તારના ખેડૂતોને રાહત આપતો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને સાતમી ઓગસ્ટથી વધુ બે કલાક વીજળી આપવામાં આવશે. મહત્વનું છે કે આ પહેલા ખેડૂતોને આઠ કલાક વીજળી મળતી હતી પરંતુ હવે 10 કલાક વીજળી મળશે. 

આજે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને કારણે કેબિનેટની બેઠક મોડી યોજાઇ હતી. અયોધ્યાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ બેઠક યોજવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિનું ભૂમિ પૂજન કર્યું હતું. રાજ્યની કેબિનેટમાં એક ઠરાવ પસાર કરીને આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.