ચોરી કરવા ઘુસેલા તસ્કરોનો મકાન માલિકે પડકારતા જીવલેણ હુમલો
15, જુલાઈ 2020

વડોદરા, તા.૧૪ 

કલાલી વિસ્તારમાં આવેલા સહજાનંદ ડુપ્લેક્સમાં રહેતા ઈજનેર યુવકના ઘરમાં ગત રાત્રે તસ્કરો ચોરી કરવા માટે ઘુસ્યા હતા. જાેકે આ દરમિયાન નિદ્રાધીન ઈજનેર જાગી જતા જ તેમણે બંને તસ્કરોને પડકાર ફેકી તેઓને સ્ટીલની દેગડી છુટ્ટી મારી હતી જેના વળતા પ્રહારમાં તસ્કરો તેમના માથામાં લાકડાનો ફટકો મારી તેમને લોહીલુહાણ કરીને પલાયન થયા હતા.

કલાલી વિસ્તારની સહજાનંદ ડુપ્લેક્સમાં પરિવાર સાથે રહેતા ૩૩ વર્ષીય નિતીનભાઈ ચરપટ મુજમહુડા સર્કલ પાસે ખાનગી કંપનીમાં સોલાર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે તે મકાનના આગળના બેડરૂમમાં સુતા હતા તે સમયે આશરે પોણા ચાર વાગે તેમને રૂમમાં કોઈક વસ્તુનો ખખડવાનો અવાજ આવતા તે સફાળા જાગી ગયા હતા. આંખ ખુલતા જ તેમના રૂમમાં આશરે ૨૦થી ૨૫ વર્ષના બે તસ્કર યુવકો જાેતા તે ચોંકી ઉઠ્યા હતા અને તેમણે બંને તસ્કરોને પડકાર ફેંકી બાજુમાં પડેલી સ્ટીલની નાની દેગડી છુુટી મારી હતી. આ હુમલાથી ડઘાયેલા બંને તસ્કરો પૈકીના એક તસ્કરે વળતો પ્રહાર કરી તેમના માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. તસ્કરોના હુમલાથી લોહીલુહાણ થયેલા નિતીનભાઈએ બુમરાણ મચાવતા જ તેઓ મકાનના પાછલા દરવાજેથી પલાયન થયા હતા. આ બનાવના પગલે સોસાયટીના રહીશોમાં તસ્કરોને શોધવા માટે દોડધામ મચી હતી પરંતું તેઓનો કોઈ પત્તો લાગ્યો નહોંતો. પ્રાથમિક તપાસમાં વિગતો મળી હતી કે નિતીનભાઈના બાજુના ઘરના કમ્પાઉન્ડની જાળીનું તાળું તોડી તસ્કરો તેમના મકાનના પાછળના ભાગના ખુલ્લા દરવાજા વાટે અંદર પ્રવેશ્યા હતા પરંતું કોઈ ચીજવસ્તુની ચોરી કરી શક્યા નહોંતા. નિતીનભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમના માથામાં પાંચથી છ ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવની તેમણે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution