લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026 |
2673
ઉત્રાણ પોલીસ સ્ટેશન તાબાની ઉમરા પોલીસ ચોકીમાં પીએસઆઇ રાઠોડ ઉપર પિતા-પૂત્ર દ્વારા હુમલો કરાયો હતો. પાડોશી સાથે થયેલા ઝઘડા બાબતે બંને દ્વારા અપાયેલી અરજી અંગે કાર્યવાહી મામલે પીએસઆઇ સામે આક્ષેપબાજી સાથે ગાળ ગલોચ કર્યા બાદ ઢીક મુક્કીનો માર મારી યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉમરા પોલીસ ચોકીમાં સબ ઇન્સ્પેક્ટર ડી. ડી. રાઠોડ ફરજ બજાવે છે. વેલંજા, ઉમરાની રાજનંદીની સોસાયટીમાં રહેતાં મીતલબેન મોહિતભાઈ અગ્રાવાત તથા નેહા પીનલભાઇ ચૌહાણ દ્વારા ગત ૨૯મી તારીખે ઉત્રાણ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. પાડોશી મહિલાઓએ એકબીજા સામે લડાઇ ઝઘડો કરી ધાક ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ અરજીનો જવાબ લખાવવા માટે સબ ઇન્સપેક્ટર રાઠોડે આ અરજીનો જવાબ લખાવવા માટે બીજી તારીખે મીતલ અગ્રાવાત અને નેહા ચૌહાણે પોલીસ ચોકી બોલાવ્યા હતાં.
જવાબ લખાવવા માટે બપોરના સમયે કોલ કરાયો ત્યારે નેહા પીનલભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ હુ સુરત બહાર છું, મારા પતિ ઝગડા સમયે હાજર હતા તેથી તેમને ચારેક વાગ્યે મોકલીશ એમ કહ્યું હતું. જયારે મીતલબેન મોહિતભાઈ અગ્રાવાત નિવેદન લખાવવા પહોંચી ગયા હતાં. ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યે સબ ઇન્સપેક્ટર રાઠોડ તેમના સ્ટાફ સાથે અન્ય એક અરજી સંદર્ભે બિપીનભાઇ ધનજીભાઇ કોલડિયાનું નિવેદન લઇ રહ્યા હતાં. એ દરમિયાન પીનલ ભરત ચૌહાણ અને તેમના દિકરો પાર્થ ચૌહાણ પોલીસ ચોકીએ પહોંચ્યા હતાં.
ચોકીમાં તપાસ ચાલતી હોય રાઠોડે આ બંનેને થોડીવાર બહાર બેસવા જણાવ્યું હતું. જમાં પિનલ અને જય ચૌહાણ એકદમ ગુસ્સે ભરાયા હતાં. તેમણે બૂમ બરાડા પાડી એવો આરોપ મૂક્યો કે, તમે અમારી અરજીની તપાસ કરતા નથી અને મિતલબેનની અરજીમાં અમોને બોલાવો છો. તમે મિતલબેન પાસેથી પૈસા લઈને અમોને હેરાન પરેશાન કરી રહ્યા છો. હુ તમને બધાને જોઇ લઈશ, તમારા બધાના પટ્ટા ટોપી ઉતરાવી દઈશ.
આવી આક્ષેપબાજી સાથે ગાળાગાળી કરી તેઓ બહાર નીકળી ગયા હતાં. ચોકીની બહાર ગયા પણ તેઓ જોર જોરથી બુમ બરાડા પાડવાનું ચાલુ રાખ્યું હતું. જેથી ચોકીની બહાર ટોળું એકઠું થવા માંડ્યું હતું. આ જોઇને પીએસાઇ રાઠોડ પણ બહાર ગયા અને તેમને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. ચૌહાણ પિતા-પૂત્રએ ગાળાગાળી કરવા માંડતાં રાઠોડે હાથ પકડી તેમને ચોકીમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિનલ અને જય ચૌહાણે પીએસઆઇનાં હાથ ઉપર નખ માર્યા હતાં. ત્યારબાદ તેમની ઝપાઝપી કરવા માંડી હતી. રાઠોડનો કોલર પકડી યુનિફોર્મના બટન પણ તેમણે તોડી નાંખ્યા હતાં. પીએસઆઇ ઉપર હુમલો કરવા સાથે ચોકી માથે લેનારા પીનલ ચૌહાણ અને જય ચૌહાણ સામે રાજ્ય સેવક ઉપર હુમલો તથા સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી.