રાજકોટ-

કોરોનાની બીજી લહેરને કારણે ડર અને દહેશતનો માહોલ ઉભો થયો છે. ગુજરાત સહિત દેશભરમાં સ્થિતિ પહેલાં કરતા વધુ વિકટ બની છે. મનોચિકિત્સકોનુ કહેવુ છે કે,' લોકોને સતત કોરોના થવાનો અને કોરોનાથી મોત થવાનો ડર સતાવી રહ્યો છે. કોરોના કરતા વધારે ખતરનાક આ ડર છે. ત્યારે ઘણાં લોકો આ ડરને કારણે જ, મોતને ભેટી રહ્યાં છે. ' આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો.

સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ, કોરોના પોઝિટિવ દર્દીના આપઘાતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના ચોથા માળેથી, નીચે ઝંપલાવી કોરોનાના દર્દીએ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં અન્ય દર્દીઓ અને તબીબો પણ આઘાતમાં મુકાઈ ગયા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.