લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુલાઈ 2026 |
990
ઈરાને અમેરિકા પર તેના એકમાત્ર બુશેહર પરમાણુ વીજ મથક (પાવર ફેસિલિટી) નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ આ હુમલો બપોરે આશરે ૧૨ વાગ્યે થયો હતો. બીજી તરફ, ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ છેલ્લા ૨ દિવસમાં ઈરાનના ૧૭૦ સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન દાગ્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન અને મિસાઈલના ભંડાર, સૈન્ય સ્પીડ બોટ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આના જવાબમાં ઈરાને જણાવ્યું કે તેણે કતાર, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર ડ્રોન હુમલા કર્યા છે. ઈરાની સેનાના અહેવાલ મુજબ, આ હુમલાઓમાં કુવૈતની પેટ્રિઅટ મિસાઈલ સિસ્ટમ, કતારના અર્લી વોર્નિંગ સેટેલાઈટ એન્ટેના અને બહેરીનમાં અમેરિકી સેનાની ફ્યુઅલ ટેન્કને નિશાન બનાવવામાં આવી હતી.
રોયટર્સના અહેવાલ મુજબ, ગુરુવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ ટેન્કરોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ હતી. સવારના શરૂઆતના કલાકોમાં માત્ર બે જ ટેન્કર ત્યાંથી પસાર થઈ શક્યા હતા. આ ટેન્કરોમાં ઈરાનના ખાર્ગ ટાપુ પરથી ક્રૂડ ઓઈલ લઈને નીકળેલું સુપરટેન્કર ‘બર્ગ ૧’ પણ સામેલ હતું, જેના પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા છે. બીજું ટેન્કર ‘વેલ સેલ’ હતું, જે માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળું કેમિકલ ટેન્કર છે. આ માહિતી દરિયાઈ વિશ્લેષણ કંપની ક્લેપરના ડેટાના આધારે આપવામાં આવી છે.
યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો હું ઈરાનના હિટ લિસ્ટમાં ટોચે, મારી હત્યાનું કાવતરું રચાયું
મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. આ ભયાનક સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યાે છે કે ઇરાન ટ્રમ્પનો જીવ લેવાનું કાવતરું રચી રહ્યું છે. નાટો શિખર સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ઇરાન અમેરિકી નેતાઓને ખતમ કરવા માંગે છે અને હું તેમની દરેક હિટ લિસ્ટમાં સામેલ છું. અત્યાર સુધી નસીબે મારો સાથ આપ્યો છે, પણ કદાચ આ કાયમ નહીં ચાલે. તેઓ ખૂબ જ ક્રૂર લોકો છે અને આપણે આ કેન્સરથી છુટકારો મેળવવો જ પડશે.” આ સાથે જ ટ્રમ્પે ઇરાન સાથેના તમામ કરારો સત્તાવાર રીતે સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી દીધી છે.આ સનસનાટીભર્યા નિવેદન પહેલાં, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઇરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવામાં આવ્યો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાગરિક જહાજાે પર ઇરાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવા માટે યુએસ સેનાએ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર ઇન્સ્ટોલેશન અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ની ૮૦થી વધુ નાની સૈન્ય બોટોને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યાે છે.
ખામેનેઈની અંતિમયાત્રા ઈમામ રઝા દરગાહ તરફ આગળ વધી
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેની અને તેમના પરિવારના સભ્યોના પાર્થિવ દેહને લઈને ટ્રક ગુરુવારે મશહદના માર્ગો પરથી પસાર થયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં હાજર લોકો તેમના પાર્થિવ દેહ સાથે ઈમામ રઝા દરગાહ તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
ભારતે રોકાણ કર્યું છે તે ચાબહાર પોર્ટ પર અમેરિકાનો મોટો હુમલો!
અમેરિકાએ ઈરાનના દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચાબહાર પર પહેલીવાર મોટો સૈન્ય હુમલો કર્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલા સીઝફાયર બાદ આ વિસ્તારમાં અમેરિકાની આ પ્રથમ મોટી સૈન્ય કાર્યવાહી છે. આ હુમલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે હોર્મુઝથી આગળ વધીને ઈરાનના હિંદ મહાસાગર સાથે જાેડાયેલા દરિયાકાંઠાના વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે. હુમલા દરમિયાન ચાબહાર શહેરમાં એક પછી એક અનેક બ્લાસ્ટના અવાજાે સંભળાયા હતા, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી.
અમેરિકાએ ૨ દિવસમાં સેંકડો સૈન્ય મથકો ધ્વસ્ત કર્યા
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એ દાવો કર્યો છે કે છેલ્લા બે દિવસમાં તેની સેનાએ ઈરાનના સેંકડો સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન અને મિસાઈલના ભંડાર, સૈન્ય સ્પીડ બોટ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સંખ્યા જૂનના અંતમાં બે દિવસ સુધી થયેલા વળતા હુમલાની સરખામણીમાં ૧૪ ગણી વધારે છે.