ભરૂચ, તા.૧૮ 

જંબુસરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ગુરુવારે વધુ ૮ પોઝિટીવ કેસો બહાર આવ્યા છે. સાથે ભરૂચ શહેરમાં ૫, અંકલેશ્વરમાં ૧ અને રાજપારડીમાં ૧ તબીબને કોરોના પોઝીટીવ આવતા આજે કુલ દસ કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચમાં અત્યારસુધીમાં કુલ કોરોના પોઝીટીવનો આંકડો ૧૨૨ ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધી કોરોનાએ ૬ વ્યક્તિઓનો ભોગ લીધો છે.

અનલોક-૧ બાદ કોરોના વાઈરસને ખુલ્લું મેદાન મળ્યું છે.સરકાર દ્વારા સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં લોકો જાણે કોરોના વાઈરસને આમંત્રણ આપતા હોય તેમ જાહેરમાં દેખાય છે. જેના કારણે અનલોક-૧ બાદ જિલ્લામાં રોજના સરેરાશ ૬-૭ કેસોનો વધારો થઈ રહ્યો છે. આજરોજ જંબુસરમાં લીલોતરી બજાર ખાતે રહેતા ચંદ્રકાંત પટેલ, પઠાણી ભાગોળ ખાતે રહેતા સમશુ મીર શેખ, કપાસીયાપુરા ખાતે રહેતા બશીર મુસા સુરાવાલા તથા નેકી ઇદ્રીસ અબ્દુલ, કાવા ભાગોળ ખાતે રહેતા રાકેશ પટેલ અને ખાનપુર મોટી ખડકી ખાતે રહેતા યુનુસ પટેલના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. બીજીબાજુ અંકલેશ્વરના જુનાદીવા ખાતે રહેતા ભારતીબેન પટેલ અને રાજપારડી ખાતે એક તબીબનો પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. જ્યારે ભરૂચમાં પણ ઝાડેશ્વર ખાતે ૨ અને ભરૂચ શહેરમાં ૩ પોઝીટીવ કેસ બહાર આવતા તા.૧૮ના રોજ ભરૂચ જિલ્લામાં ૧૫ જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.