પાટણ-

નગરપાલિકાના વૉર્ડ નંબર 10 ના નગર સેવક મહંમદ હુસેન ફારુકી શુક્રવારે પોતાના વિસ્તારના પ્રજાલક્ષી કામો અર્થે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગયા હતા પરંતુ તેઓ હાજર ન હોવાથી બાંધકામ શાખામાં ગયા હતા. જ્યાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર બન્ને વચ્ચે કામને લઇ શાબ્દિક બોલાચાલી થઇ હતી. જેમાં વાત વણસતા મામલો ઉગ્ર બન્યો હતો અને બન્ને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જે દ્રશ્યો જોઈ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વચ્ચે પડી બન્નેને અલગ કરી શાંત પાડ્યા હતા. સત્તાધારી ભાજપ પક્ષના નગર સેવકે નગરપાલિકામાં આવી ચીફ ઓફિસર સાથે કરેલી આ દબંગગીરી અન્ય કોર્પોરેટરો અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે. પાટણ નગરપાલિકા માં પ્રજાલક્ષી કામ અર્થે ગયેલા વૉર્ડ નંબર 10 ના કોર્પોરેટર અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ બન્ને વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ભારે હડકંપ મચી હતી. સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરને પ્રજાલક્ષી કામ મામલે ચીફ ઓફિસર સામે ઉગ્ર બનવું પડ્યું હોય તેવા બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.