વડોદરા, તા.૨૯

હંમેશાં ટ્રાફિકથી ધમધમતા અને રાહદારીઓની ભારે ચહલપહલ ધરાવતા એવા સ્ટેશન નજીકના સયાજીગંજ વિસ્તારમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જાહેર માર્ગ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારીના બનાવમાં બે વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક હુમલાખોરની અટકાયત બાદ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જાહેર માર્ગ ઉપર વિદ્યાર્થીઓના બે જૂથો સામ-સામે આવી જઈ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તબક્કે ટ્રાફિક પણ ખોરવાયો હતો. આ બનાવ અંગે નજીકમાં આવેલા સયાજીગંજ પોલીસ મથકને જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી ટ્રાફિકને પૂર્વવત્‌ કરવામાં આવ્યો હતો. શહેરના સયાજીગંજ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આવેલા અલંકાર ટાવર બહાર બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી થઇ હતી. વાહનોથી ધમધમતા માર્ગ ઉપર પોલીસ સ્ટેશનની નજીકમાં જ બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.શહેરના સયાજીગંજ અલંકાર ટાવર સ્થિત ખાનગી કલાસીસમાં વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસિસમાં આવ્યા હતા. ટાવર પરિસરમાં એકાએક બે વિદ્યાર્થી જૂથના યુવાનો વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ હતી. આ મારામારીના પગલે રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકો પણ તમાશો જાેવા માટે ઊભા રહ્યા હતા. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. દરમિયાન આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે એક હુમલાખોર યુવાનની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ ગઇ હતી.

બે વિદ્યાર્થી જૂથો વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ સામાન્ય બોલાચાલીના કારણે બે જૂથો આમનેસામને આવી ગયા હતા. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની તપાસ બાદ વિદ્યાર્થી જૂથ વચ્ચે થયેલા ઝઘડાનું ચોક્કસ કારણ બહાર આવશે. એમ.એસ. યુનિ.માં વિદ્યાર્થીઓના એબીવીપી અને એનએસયુઆઈના બે જૂથો વચ્ચે થયેલી મારામારીના બનાવની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં આજે આ મારામારીના બનાવથી ચકચાર જાગી છે અને આ ઘટનાના પ્રત્યાઘાત પડયા હતા કે કેમ? એવા સવાલોની ચર્ચાએ જાેર પકડયું છે.