અમદાવાદ 

ગુજરાતી સિનેમામાં નવો પ્રાણ ફૂંકનારા ફિલ્મ મેકર્સમાંથી એક એવા આશિષ કક્કડનું આજ રોજ કોલકાત્તા ખાતે હાર્ટ અટેક આવતા નિધન થયું છે. પોતાના અવાજ માટે જાણીતા આશિષ કક્કડ ગુજરાતી ફિલ્મોની સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના નિધનના સમાચાર આવતા જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લોકો આઘાતમાં છે. તેઓ વિશ્વાસ નથી કરતા કે આશિષ કક્કડ હવે તેમની વચ્ચે રહ્યા નથી. 

જાણીતા નિર્દેશક અભિલાષ ઘોડાએ ફેસબુક પર આશિષ કક્કડના નિધન અંગેની પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,'ગુજરાતી ફિલ્મ બેટર હાફ સહીત અનેક ફિલ્મ્સના જાણીતા દિગ્દર્શક આશિષ કક્કડનું હ્રદય રોગના હુમલાને કારણે કલકત્તા મુકામે દુઃખદ અવસાન થયું છે.' આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા માટે અમદાવાદથી ખાસ કોલકત્તા ગયા હતાં. જ્યાંથી તેઓ 6 નવેમ્બરના રોજ પરત ફરવાના હતાં. જ્યારે આજે બપોરે તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સમગ્ર કલા જગતમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. 

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ફરી આગળ ધપાવવામાં તેમનું યોગદાન મહત્વનું છે. તેમણે 2010માં 'બેટર હાફ' નામની અર્બન ગુજરાતી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ આવ્યા બાદ જાણે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવો પ્રાણ ફૂંકાયો અને એક પછી એક અનેક અર્બન ગુજરાતી ફિલ્મો તૈયાર થવા લાગી. ત્યાર બાદ આશિષ કક્કડે 2016માં બાળકોને ધ્યાનમાં રાખીને 'મિશન મમ્મી' નામની ફિલ્મ બનાવી હતી. 

ગુજરાતી ફિલ્મો ઉપરાંત આશિષ કક્કડે સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ 'કાઈ પો છે' અને છેલ્લે જેકી ભગનાની ફિલ્મ 'મિત્રો'માં એક્ટિંગ કરતા તેઓ જોવા મળ્યા હતા.