વડોદરા તા. ૨૦

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી રૂા.૨૩૦ કરોડના ખર્ચે બનેલા ૩.૫ કિલોમીટર લાંબા ફ્લાય ઓવર બ્રિજનું તારીખ ૨૫ ના રોજ લોકાર્પણ થવાની શક્યતા હોવાથી આ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થાય તેવુ આયોજન પાલિકા દ્વારા થઈ રહ્યુ હોંવાનુ જાણવા મળે છે.પાલિકા તંત્ર દ્વારા બ્રિજના લોકાર્પણ માટે બ્રિજની ઉપર છોડ લગાડવા સહિતની કામગીરી શરૂ કરી છે.

 આજરોજ મ્યુનિસિપલ કમિશનર તથા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાયી સમિતીના અધ્યક્ષે સ્થળ પર પહોંચીને બ્રિજની ચાલી રહેલી અંતિમ તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી. બ્રિજની ઉપર મોટાભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે, હવે નીચે કાટમાળ ખસેડવાની કે થોડું ઘણું ફિનિશિંગ બાકી હોય તો તે પૂર્ણ કરાશે. ગેંડા સર્કલ ટ્રાયડન્ટ સર્કલ, જીઈબી સર્કલ, ચકલી સર્કલ, મલ્હાર પોઇન્ટ દિવાળીપુરા ચાર રસ્તા ક્રોસ કરીને આ બ્રિજનો છેડો મનીષા ચોકડી પહોંચે છે. ઉપરાંત બ્રિજ પર લાઈટના પોલ તેમજ બ્રિજ ઉપર ડિવાઈડર પર બ્યુટીફીકેશન માટે છોડ લગાડવાની કામગીરી શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે,વર્ષ ૨૦૧૭ માં બ્રિજની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ કોવિડ સમય અને નાણાકીય ભીડને લીધે બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં બે વર્ષ વિલંબ થયો છે. શહેરીજનો છેલ્લા ઘણા સમય થી આ બ્રિજ ક્યારે શરૂ થશે તેની રાહ જાેઈ રહ્યા છે. અગાઉ આ બ્રિજ માટે સરકારે ૭૬ કરોડ આપ્યા હતા, ત્યારબાદ સ્વર્ણિમ ગુજરાતની ગ્રાન્ટમાંથી બ્રિજનું કામ પૂર્ણ કરવા કહ્યું હતું .ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ૧૦૦ કરોડ ફાળવવા સરકારે જાહેરાત કરી હતી.