અમદાવાદ-

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2020ના વર્ષમાં નવ મહિના પછી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ગયા ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ના અભિવાદન સમારોહ સમયે ગુજરાત આવ્યા હતા. હવે 30મી ઓક્ટોબરે સાંજે તેઓ ગાંધીનગર આવી રહ્યાં છે. 31મીએ સરદાર પટેલ જન્મજ્યંતિની ઉજવણી પ્રસંગે તેઓ અમદાવાદા રિવરફ્રન્ટથી કેવડિયા જવાના છે.

વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું વહીવટી તંત્ર તેમના સ્વાગત માટેની તૈયારી કરી રહ્યું છે. ગુજરાતમાં ત્રીજી નવેમ્બરે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી થવાની છે તે પહેલાં મોદીનો આ પ્રવાસ અતિ મહત્વનો બની જાય છે. સૂત્રો કહે છે કે મોદી 30મી ઓક્ટોબરે ગાંધીનગર આવીને રાજભવનમાં રાત્રી નિવાસ કરશે અને 31મીએ અમદાવાદના રિવરફ્રન્ટ થી સી-પ્લેન મારફતે કેવડિયા જઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. 

નરેન્દ્ર મોદીનો સત્તાવાર કાર્યક્રમ હજી જાહેર થયો નથી પરંતુ તેઓ ગાંધીનગરમાં તેમના માતા હીરાબાના આશીવર્દિ લેવા જશે તેવું સૂત્રો કહી રહ્યાં છે. ગુજરાતના ટોચના અધિકારીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાલ સાબરમતી નદીમાં બની રહેલા એરોડ્રામનું નિરીક્ષણ કરી રહ્યાં છે. રાજ્યના વન અને પયર્વિરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા અને નર્મદા નિગમના અધિકારીઓને કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુવિધાઓની જવાબદારી સોંપવામાં આવી છે. 

રાજ્યમાં આઠ બેઠકોની ચૂંટણીના પ્રચાર ચાલી રહ્યાં છે. ત્રીજી નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે મોદી 31મી ઓક્ટોબરે કેવડિયા જઇને કેવી જાહેરાત કરે છે તેના પર ગુજરાતની નજર છે. 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજ્યંતિ આવી રહી છે ત્યારે મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇને તેમને અંજલિ આપશે તેમજ કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્દધાટન કરશે.

મહત્વની બાબત એવી છે કે અમદાવાદના રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવ્યું છે જ્યારે કેવડિયામાં પણ તળાવમાં એરોડ્રામ બનાવવામાં આવ્યું છે. મોદી સી-પ્લેનમાં સફર કરીને ગુજરાતના ટુરિઝમને ઉત્તેજન આપવા સી-પ્લેનનો પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લો મૂકશે.