બનાસકાંઠા-

બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી એક વ્યક્તિના એક યુવતી સાથેના ફોટાએ ચર્ચાને વેગ આપ્યો છે. જોકે, આ ફોટા સામે આવતા રાજકીય લોબીમાં જ નહીં સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. ડીસામાં બ્રીજના ઉદ્ઘાટન કાર્યક્રમ વખતે વાયરલ થયેલા આ ફોટા મામલે આખરે સાંસદ પરબત પટેલે સ્પષ્ટતા કરી દીધી છે. તેઓ નખશીખ પ્રામાણિક છે એવું જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મેઘા પટેલે આ પહેલા ભાજપના ટોચના નેતાનો અશ્લીલ વીડિયો તા.15 ઓગસ્ટના રોજ જાહેર કરવાની વાતથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. આ સાથે ભાજપના એક નેતાનો ફોટો પણ ફેસબુમાં પોસ્ટ કર્યો હતો. મેઘા પટેલે એક પોસ્ટ મૂકી લખ્યું હતું કે, નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મિનિટનો છે. એમાંથી 1 મિનિટનો કટિંગ વીડિયો તા.15 ઓગસ્ટના રોજ 12.39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.

તેણે લખ્યું હતું કે, આ નેતા પાલનપુર સર્કિટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા હતા. ધન્યવાદ નેતાજી. ડીસામાં એલિવેટેડ બ્રીજના ઉદ્ધાટનમાં આવેલા સાંસદ પરબત પટેલે કહ્યું કે, મીડિયાના માધ્યમથી મે આ જોયું છે. તા.15 ઓગસ્ટના રોજ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી છે. પણ મને આ અંગે કોઈ પ્રકારની જાણકારી નથી. મેં મારી જિંદગીમાં કોઈ સાથે આવું ખરાબ કામ કર્યું નથી. મારા ફોટાનો ઉપયોગ કરીને, ખોટી રીતે એડિટ કરીને કોઈએ કંઈ કર્યું હોય તો મને ખબર નથી. મીડિયાના માધ્યમથી મારૂ નામ અપાયું છે એટલે મારે પણ એમાં જોવું પડશે કે આખરે એમાં છે શું? પણ આવી રીતે ફોટા એડિટ કરીને મને બદનામ કરવાનું તથા પૈસા પડાવવાનું એક પ્રકારનું કાવતરૂ છે. જોકે, સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વારંવાર ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત નેતૃત્વ સામે પણ પ્રશ્નો ઊઠ્યા હતા. ફોટા વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. બનાસકાંઠા ભાજપ સાંસદ પરબત પટેલે કહ્યું હતું કે, આ વીડિયોમાં એમનો કોઈ ફોટો નથી. સાંસદે ત્યાં સુધી કહ્યું કે, હું આવી કોઈ યુવતીને ઓળખતો પણ નથી. મેં કોઈ પ્રકારના ફોટા જોયા પણ નથી. પણ હવે જોવા પડશે. આ તો બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ છે. બનાસકાઠાના થરાદના ભાયર ગામના કોઈ શખ્સે એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.