મુંબઇ:

નિવાસી મકાનને હોટલમાં રૂપાંતરિત કરવાના આરોપી અભિનેતા સોનુ સૂદ સામે બીએમસીએ એફઆઈઆર નોંધાવી છે. લોકડાઉન દરમિયાન ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ પર 6 માળની ઇમારતને હોટલમાં રૂપાંતરિત કરવાનો આરોપ છે. આ કેસમાં બીએમસીએ સોનુ સૂદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

બીએમસીનો આરોપ છે કે સોનુ સૂદે કથિત 6 માળના રહેણાંક મકાનને હોટેલમાં ફેરવતાં પહેલાં જરૂરી પરવાનગી લીધી ન હતી. બીએમસીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, સોનુ સુદ સામે મહારાષ્ટ્ર રિજન અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

જો કે સોનુ સૂદે સ્પષ્ટ કર્યું કે તેમણે વપરાશકર્તા ફેરફારના મામલે બીએમસીની મંજૂરી લીધી હતી અને તેઓ ફક્ત મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. બીએમસીએ 4 જાન્યુઆરીએ સોનુ સૂદ સામે એફઆઈઆર નોંધાવી હતી. જુહુ પોલીસને આપતી ફરિયાદમાં બીએમસીએ જણાવ્યું હતું કે, "સોનુ સૂદે એબી નાયર રોડ પરની શક્તિ સાગર બિલ્ડિંગને પરવાનગી વિના હોટલમાં રૂપાંતરિત કરી હતી." 

બીએમસીનું એમ પણ કહેવું છે કે હોટલ બનાવવા માટે આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું. નોટિસ આપ્યા પછી પણ બાંધકામ ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, આ બાંધકામ પૂર્વે તેમણે ઓથોરિટી પાસેથી જરૂરી તકનીકી પરવાનગી પણ લીધી ન હતી.

બીએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં બીએમસી દ્વારા મોકલેલી નોટિસ વિરુદ્ધ સુદ શહેરની સિવિલ કોર્ટમાં ગયો હતો, જોકે કોર્ટ તરફથી તેમને કોઈ વચગાળાની રાહત મળી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે સુદને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયા આપ્યા હતા. કોર્ટમાંથી ત્રણ અઠવાડિયા પસાર થયા છે, પરંતુ તેઓએ હજી સુધી અનધિકૃત બાંધકામોને હટાવ્યા નથી, તેથી અમે પોલીસને એમઆરટીપી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.