વડોદરા, તા.૧૧

વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરેશનની તરસાલી બાયપાસ જામ્બુઆ સ્થિત લેન્ડફીલ સાઈટ પર બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. કચરાના મોટા મોટા ઢગલામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આ અંગેની જાણ કરાતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ૮ થી ૯ ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા અને ચારથી પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ધુમાડા નીકળવાના ચાલુ હોઈ મોડી રાત સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. લેન્ડફીલ સાઈટ પર આગ લાગતાં મેયર પણ સભા છોડીને સ્થળ પર દોડી ગયા હતા.

વડોદરા કોર્પોેરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ એકત્ર કરાતો હજારો ટન કચરો જામ્બુઆ લેન્ડફીલ સાઈટ ખાતે ડમ્પ કરીને સાયન્ટિફિક રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. જાે કે, આ સ્થળે કચરા પર કોઈ પ્રક્રિયા કરાતી નથી, માત્ર ડમ્પ કરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત થયા છે. આ સ્થળે અવારનવાર કચરામાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે પરંતુ આગના કારણો અકબંધ રહ્યા છે.

ત્યારે આજે બપોરના સમયે જામ્બુઆ લેન્ડફીલ સાઈટ ખાતે કચરાના ઢગલામાં ફરી આગ લાગી હતી અને ક્ષણમાં જ આ આગ વિકરાળ બની હતી. કચરાના ઢગલામાં આગને પગલે ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં જ જીઈઆડીસી, પાણીગેટ સહિતના ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધર હતી.

જાે કે, પાલિકાની સભા શરૂ થાય તે પૂર્વે મેયરને જાણ થતાં તેઓ પણ સભા છોડીને સ્થળ પરછોડી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ૮ થી ૯ ફાયર ફાઈટરોની મદદથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ધુમાડાના ગોટેગોટા નીકળતાં હોઈ કુલિંગની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. જાે કે, આગ કયા કારણોસર લાગી તેનું કારણ બહાર આવશે કે આ વખતે પણ રહસ્ય જ રહેશે તેવી ચર્ચા પાલિકાના વર્તુળોમાં થઈ રહી છે.