મિલેનિયમ માર્કેટમાં આગ:ઓડિટ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી માર્કેટની ૩૬૦૦ દુકાનો બંધ રહેશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   3465

સુરત, ગરમીની શરૂઆત થતાં જ શહેરની કાપડ માર્કેટોમાં શોર્ટસર્કિટથી આગની ઘટનાઓ પણ વધી રહી છે. થોડા દિવસો પહેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટ ત્યારબાદ નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી, એટલું જ નહીં પરંતુ હાલમાં જ રીગ રોડ ઉપર આવેલી જયશ્રીરામ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. આ સિલસિલો યથાવત રહેતા આજે સવારે રિંગ રોડ પર કમેલા દરવાજા પર આવેલી અને શહેરની સૌથી જૂની ગણાતી મિલેનિયમ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગનાં કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. માર્કેટમાં આગ લાગવાની ઘટના અંગેનો કોલ મળતા ફાયર વિભાગ હરકતમાં આવી ગયું હતું અને શહેરના અલગ અલગ ૯ ફાયર સ્ટેશનથી ૨૦થી વધુ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. હાલ તો ફાયરબ્રિગ્રેડ વિભાગ દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગનો ઓડિટ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી માર્કેટની ૩૬૦૦ દુકાન બંધ કરાવી દેવામાં આવી છે. એક તરફ આગને પગલે ઘુમાડો વધારે પ્રમાણ પ્રસરી જવા પામ્યો હતો. જેને પગલે ફાયર ફાયટરોને આગને કાબુમાં લેવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે ફાયર ફાઇટરો બીએસેટ માસ્ક પહેરીને અને અન્ય સાધનો લઈને અંદર સુધી પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution