લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026 |
2376
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારની મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જાેતજાેતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં ૧૦ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.