વડોદરા, તા.૧૯

શહેર નજીક સોખડા હરિધામ સ્વામીનારાયણ મંદિરના વિવાદમાં જિલ્લા પોલીસની શંકાસ્પદ કામગીરી બહાર આવી છે. સેવક અનુજને માર મારવાના બનાવની ૧૨ દિવસ બાદ સામાન્ય ફરિયાદ લેવાતાં આજે પાંચ સંતો અને બે સેવકોને વીઆઈપી સુવિધા સાથે તાલુકા પોલીસ મથકે હાજર કરી કલાકોમાં જામીન ઉપર મુક્ત કરી છોડી દેવાયા હતા.

અદાલત સમક્ષ પહોંચેલા ભોગ બનેલા અનુજની ફરિયાદ બાદ ૧ર દિવસે મંગળવારે તાલુકા પોલીસે માર મારનારા સંતો અને બે સેવકો વિરુદ્ધ તદ્દન મામૂલી ગણાતી રાયોટિંગની કલમો નોંધી હતી અને ફરિયાદ નોંધ્યા બાદ માત્ર દેખાડા પૂરતી જ સોખડા ગયા બાદ તાલુકા પોલીસની ટીમ ખાલી હાથે મંગળવારે રાત્રે પરત ફરી હતી.

બુધવાર બપોરે ખાનગી વૈભવી વિદેશી કારમાં સોખડાના સ્વામીઓ તાલુકા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમની વીઆઈપી સરભરા કરાઈ હતી. બે સેવકો સોખડાના મનહરભાઈ, આસોજના પ્રણયભાઈ તેમજ સ્વામી ભક્તિવલ્લભ, હરિસ્મરણ સ્વામી, પ્રભુપ્રિયસ્વામી, સ્વામી વિરલ, સ્વામી સ્વરૂપે પોલીસ મથકે હાજરી આપી હતી.

પરિણામે મીડિયા કર્મચારીઓ તાલુકા પોલીસ મથકે ઉમટી પડયા હતા, જ્યાં શરૂઆતમાં તાલુકા પોલીસના જવાબદાર અધિકારીઓએ આરોપી સંતો અને સેવકોનો કોરોનાનો ટેસ્ટ બાદ વિધિવત્‌ ધરપકડ કરાશે એમ જણાવ્યું હતું. પરંતુ ગણતરીના સમયમાં જ દરેક આરોપીને જામીન ઉપર છોડવાની કાર્યવાહી હાથ ધરાતાં સૌને આશ્ચર્ય થયું હતું. એ અગાઉ ફરિયાદી અનુજે પોલીસને નોંધાવેલા નિવેદનમાં ચોંકાવનારી હકીકતો જણાવી હતી, તેમ છતાં પોલીસે સામાન્ય ગુનો નોંધ્યો હતો. અનુજ ચૌહાણે જણાવ્યું હતું કે, તા.૬ જાન્યુઆરીએ સોખડા હરિધામ સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં યોગા આશ્રમ તરફથી અવાજ આવતાં હું એ તરફ ગયો હતો અને હું મોબાઈલમાં દૃશ્યો ઉતારી રહ્યો હતો. ત્યારે પ્રણવભાઈ અને મનહરભાઈએ મને ધમકાવ્યો હતો. બાદમાં પ્રભુપ્રિય સ્વામીએ પાસે આવી વીડિયો કેમ ઉતાર્યો એવું જણાવી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને હરિસ્મરણસ્વામી, ભક્તિવલ્લભસ્વામી, સ્વામી સ્વરૂપે તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. જેમાં મનહર સોખડાવાલા પણ હાજર હતા. પરિણામે હું ગભરાઈને જીવ બચાવવા માટે દોડીને ઓફિસમાં સંતાઈ ગયો હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસે ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૨૯૪ખ મુજબ પાંચ સંતો અને બે સેવકો સામે ગુનો નોંધ્યો હતો. બુધવારે બપોરે હાજર થયેલા તમામ સંતોને પોલીસે ગણતરીના સમયમાં અટકાયત બતાવી જામીન ઉપર મુક્ત કર્યા હતા.