વડોદરા, તા.૬

પાલિકા દ્વારા દોડકા ખાતેથી આપવામાં આવતું પાણી ટ્રીટેડ વોટર અને વેલમાંથી લેવાતું પાણી મિક્સ કરીને વિતરણ કરવામાં આવી રહ્યંુ છે. આ બંનેના ટીડીએસના આંકડા જાેતાં પાણીમાં ટીડીએસની માત્રા ૭ની આસપાસ જાેવા મળે છે. તો શું આ પાણી પીવાલાયક છે? તેવી રજૂઆત કોંગ્રેસ પક્ષના નેતાએ કરી હતી.

વડોદરા કોર્પોરેશનની મંગળવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, દિવાળી પૂર્વે મહિસાગરમાંથી શહેરીજનોને મળતા ગંદા પાણી અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. સાથે જીપીસીબીને પણ રજૂઆત કરતાં તેઓએ પાલિકા દ્વારા પાણીના સ્ત્રોત ખાતેથી પાણીના નમૂના લીધા હતા. એનો રિપોર્ટ જાહેર કરાયો નથી, પરંતુ જ્યારે દોડકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અમે જે નમૂના લીધા હતા અને તેનો રિપોર્ટ કરાવતાં તેમાં ટીડીએસની માત્રા ૩.૧ આવી હતી. જ્યારે રો-વોટર એટલે કે ટ્રીટેડ સિવાય નદી માંથી પાણીના નમૂના લેતા ટીડીએસની માત્રા ૧૧.૩ આવી હતી. વડોદરા કોર્પોરેશન શહેરીજનોને સંપૂર્ણ ટ્રીટેડ વોટર ઉપલબ્ધ કરાવી શકતી નથી. ટ્રીટેડ વોટર અને વેલના પાણી મિક્સ કરીને નાગરિકોને વિતરણ કરવામાં આવે છે.

એટલે જાે બંનેના ટીડીએસના આંકડા જાેઈએ તો પાણીમાં ટીડીએસની માત્રા ૭ની આસપાસ રહે. તેમણે કહ્યું હતંુ કે, સામાન્ય રીતે જાે ટીડીએસની માત્રા એક હોય તો તે પાણી પીવાલાયક ગણાય છે. ઘણા લોકો એવા હશે જે કોર્પોરેશનનું સીધું પાણી ઉપયોગમાં લેતાં હશે અને ઉકાળીને અથવા આરઓ સિસ્ટમ વિના પાણીનો ઉપયોગ કરતા હોય. આવા નાગરિકો માથે લાંબા ગાળે સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ થોપવામાં આવી રહી છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

શહેરના પાણીના મુખ્ય સ્ત્રોતની આસપાસના ગામડામાં તપાસ કરતા અહીંના કેટલાક ઉદ્યોગો કુવા ભાડે લઈ દૂષિત પાણી તેમાં સીધેસીધું છોડી રહ્યા છે. આવા ઉદ્યોગો પર નજર રાખવી જાેઈએ. પીળા પાણીની સમસ્યા સર્જાતા ઉપરવાસમાંથી ૮ ક્યુસેકસ પાણી છોડીને સમસ્યા હલ કરવાનો દાવો કર્યો હતો પરંતુ થોડા જ સમય માં પાણીમાં ફરી લીલાશવાળું જાેવા મળી રહ્યું છે.