વડોદરા, તા.૨૩

શહેરમાં રસ્તે રખડતા ગાય અને કૂતરાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે શહેરના હરણી સવાદ ક્વાર્ટર્સમાં રખડતા કૂતરાએ મહિલા સહિત પાંચ થી છ વ્યક્તિઓને બચકાં ભરીને આતંક મચાવી દીધો હતો. જેના કારણે સવાદ ક્વાર્ટર્સમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. સ્થાનિકોએ કૂતરાના આતંકથી ફરિયાદ પાલિકાના સંબંધિત સત્તાધીશોને કરવામાં આવતાં સત્તાધીશોએ સ્થાનિકો પાસે કૂતરાના ફોટા અને વીડિયો શૂટિંગની માગણી કરતાં રોષે ભરાયા હતા અને પાલિકાનો કોઈપણ જવાબદાર કર્મચારી કે અધિકારી બનાવસ્થળે ફરક્યા ન હોવાથી લોકો ડરના માર્યા ઘરમાં જ પુરાઈ રહ્યા હતા.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં કૂતરાઓ અને ગાયોના ઝૂંડ રસ્તાઓ ઉપર જાેવા મળી રહ્યા છે અને આ પ્રાણીઓને લીધે વાહનચાલકો કે રાહદારીઓને ઈજાઓ પહોંચાડી રહ્યા છે. શહેરમાં રસ્તે રખડતી ગાયોના પાપે ગંભીર ઈજાઓ થવાના નોંધપાત્ર ત્રણ બનાવો બન્યા બાદ તેની શાહી હજુ સુકાઈ નથી તેવા સમયે આજે શહેરના હરણી સવાદ ક્વાર્ટર્સમાં રસ્તાઓ ઉપર રખડતાં કૂતરાઓ પૈકી એક કૂતરાએ મહિલા સહિત પાંચ થી છ લોકોને કરડી બચકાં ભરી આતંક મચાવી બાનમાં લીધા હતા. જેમાં એક મહિલાનો હાથ ફાડી ખાતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. કૂતરાઓના ત્રાસથી ત્રાહિમામ્‌ સ્થાનિકોએ પાલિકામાં લાગતા વળગતા જવાબદાર અધિકારીઓને જણાવતાં અધિકારીએ કૂતરાનો ફોટો અને વીડિયો શૂટિંગની માગણી કરી હતી. તદ્‌ઉપરાંત સ્થાનિકોએ સવારના નવ વાગ્યાના બનેલા બનાવની ફરિયાદ સવારે જ કરી હોવા છતાં પણ પાલિકાના એકપણ અધિકારી કે કર્મચારી બનાવસ્થળે ફરક્યા ન હતા અને એ.સી.માં બેસીને કૂતરાઓના ફોટા અને વીડિયો શૂટિંગ મંગાવતાં લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.