પાંચ વર્ષની બાળકીને સતત ૧૬ કલાક ૨૫૦ કેમેરા તપાસી શોધી કાઢી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026  |   2178

સચિન જીઆઇડીસીનાં રાધે નગર વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી લાપતા થઈ હતી. મોડી સાંજે બાળકી ગુમ થયાની વાતને પોલીસે ગંભીરતાથી લઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, સતત ૧૬ કલાક સુધી ૨૫૦ કેમેરા તપાસવા સાથે ૪૦૦થી વધુ વ્યક્તિની પુછપરછ કરી બાળકીને સહીસલામત શોધી કાઢવામાં આવી હતી.  સચિન જીઆઇડીસી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગોપાલ નગર પાસે રાધે રેસિડેન્સીમાં રહેતા પિન્કુ ગોડ તેના પરિવાર સાથે રહે છે. કારખાનામાં કામ કરતા પિન્કુ ગૌડને પાંચ વર્ષની દીકરી છે. ગત ૧૨મી તારીખે મોડી સાંજે ગૌડની પત્ની આ બાળકીને લઇ ઘર નજીક ભરાતાં મંગળવારી બજારમાં ગઈ હતી. જ્યાં ભારે ભીડ ભાડ હોય બાળકીને હાથ છૂટી ગયો અને તે લાપતા થઈ ગઈ હતી. શોધખોળ છતાં બાળકીનો અતો પતો નહીં લાગતો ગૌડ દંપતી ગભરાયું અને પોલીસ સ્ટેશન દોડી ગયું હતું, રાત્રિનો સમય અને બાળકીનો મામલો હોય ઇન્સપેક્ટર કુલદીપસિંહ ગોહિલે તુરંત સર્વેલન્સ સ્ટાફને એકઠો કર્યો હતો. ગોહિલે અલગ અલગ પાંચ ટુકડીઓ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બાળકીની સુરક્ષાનો પ્રશ્ન હોય તપાસમાં કોઈ કચાશ ન રહે એની તકેદારી રાખતા ગોહિલે ઉપરી અધિકારીઓ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તુરંત સચિન જીઆઇડીસી ગઇ અને બાળકીની શોધખોળમાં જોતરાઇ હતી.

 સમય વિતતો ગયો તેમ તેમ પોલીસની ટીમ પણ વધારવામાં આવી હતી. દસેક ટીમો બની અને ગોપાલ નગર તથા આસપાસના સામાજિક આગેવાનો, વેપારીઓ અને વોટ્સઅપ ગ્રુપમાં બાળકીના ફોટોગ્રાફ્સ તેમજ વર્ણન મોકલી સઘન શોધખોળ શરૂ કરી હતી. સાથે જ બાળકી વિખૂટી પડી હતી એ સ્થળથી આશરે ૨૫૦થી વધુ સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજથી તપાસની દિશા મળી હતી. જે દિશામાં બાળકી ગઇ એ વિસ્તારના ૪૦૦થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સતત ૧૬ કલાક સુધી પોલીસે તપાસ જારી રાખી હતી. આ જહેમત બાદ પોલીસની ટીમે ગભેણી રોડ પર આવેલી મનોજ પ્રતાપસિંગ શાળા પાસેથી બાળકીને સુરક્ષિત શોધી કાઢવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ રામશરણ દયાનંદ, નાનસિંગ વાલસિંગ, ભરતકુમાર અમૃતલાલ અને મયુરદાન અમીરદાનની મહત્વની ભૂમિકા રહી હતી. પોતાની માસુમ બાળકી હેમખેમ પરત મળતા માતા-પિતાએ આનંદના આંસુ સાથે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution