મુંબઈ-

વોલમાર્ટ ઇન્કના ફ્લિપકાર્ટે કહ્યુ હતુ કે તે ભારતમાં તહેવારોની સિઝનમાં ઓનલાઇન ખરીદીમાં ઉછાળાની તૈયારી કરતા 70,000 લોકોની ભરતી કરવાનુ છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ઓનલાઇન શોપિંગ કરવાનું પ્રમાણ વધી ગયુ છે. એમાંય કોરોના પછી હવે જયારે લોકડાઉન દરમિયાન દુકાનો બંધ હતી, મોલ, સુપરમાર્કેટ બંધ હતા. લોકો ઓનલાઇન શોપિંગ તરફ વધુ વળ્યા છે. જેમ જેમ લોકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા છે, એમ આ પ્લેટફોર્મને પોતાના સ્ટાફની સંખ્યા વધારવાની જરૂર પડી છે. ફ્લિપકાર્ટે મંગળવારે જાહેરાતમાં કહ્યુ છે કે તે 70,000 આસપાસ લોકોની ભરતી સિવાય અમુક નાની કંપનીઓ સાથે ભાગીદારી પણ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો ઊભી થઇ રહી છે, જેમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ, પિકર્સ, પેકર્સ અને સોર્ટર શામેલ છે. આ સિવાય ફ્લિપકાર્ટના વેચનાર ભાગીદાર સ્થળો અને સ્થાનિક સ્ટોર્સ પર પણ ભરતીની પરોક્ષ શકયતાઓ છે. ભાગીદારો તરીકે અને અન્ય ભૂમિકાઓમાં ઘણા લોકોને રોજગારી આપશે. કંપનીએ જણાવ્યુ હતુ કે તે અંતરિયાળ વિસ્તારોમાં ડિલિવરી કરવા માટે 50,000 થી વધુ કરિયાણાની દુકાનો સાથે ટાઇ-અપ કરશે.