08, જુલાઈ 2025
કાઠમંડુ |
4752 |
બંને દેશોને જોડતો મિતેરી પુલ અને અનેક વાહનો તણાયા
પાસંગ લ્હામુ હાઇવેનો ભાગ પણ ધોવાણ : નેપાળના રાસુવા જિલ્લામાં વાહનોની અવરજવર ખોરવાઈ
મંગળવારે સવારે 3 વાગ્યે નેપાળ-ચીન સરહદ પર ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવતાં પૂરમાં 12 નેપાળી અને 6 ચીની નાગરિકો સહિત 18 લોકો ગુમ થયા છે. 12 નેપાળીઓમાં 3 પોલીસકર્મી અને 9 નાગરિકોનો સમાવેશ થાય છે.
અચાનક આવેલા પૂરના કારણે તંત્ર દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના ચીનની સરહદ પર નેપાળના રાસુવા જિલ્લાના રાસુવાગઢી બોર્ડર પોઈન્ટ પર બની હતી. નેપાળને ચીન સાથે જોડતો મુખ્ય પુલ 'મિતેરી બ્રિજ પૂરમાં તૂટી ગયો છે. મિતેરી બ્રિજ દ્વારા ચીન અને નેપાળ વચ્ચે દરરોજ લાખો રૂપિયાનો વેપાર થાય છે. રાસુવામાં કસ્ટમ ઓફિસ યાર્ડને પણ નુકસાન થયું હતું. કસ્ટમ યાર્ડમાં પાર્ક કરેલા ઘણા કાર્ગો કન્ટેનર પણ તણાઈ ગયા છે. કસ્ટમ યાર્ડની અંદર ફસાયેલા કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ ચારે બાજુ પૂરના પાણી ભરાઈ જવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ પડી રહી છે.
ભોટેકોશી નદીના વધતા પાણીએ તિમુરમાં એક ઈવી ચાર્જિંગ સ્ટેશનથી આઠ ઇલેક્ટ્રિક વાહનો પણ તણાઈ ગયા હતા. રાસુવામાં રાસુવાગઢી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે, જેના કારણે 200 મેગાવોટ સુધીના વીજ ઉત્પાદનને સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવ્યું છે.