વડોદરા, તા.૨૦

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના સમા તળાવ ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા રૂા.૪૬.૪૦ કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. નજીકમાં જ વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ છે. ત્યારે તે જ રોડ પર ખાસ કરીને સવારે અને સાંજના સમયે ટ્રાફિકનું ભારણ વધુ હોય છે. ત્યારે સમા તળાવથી દુમાડ તરફ ફોર લેન બ્રિજનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

શહેરમાં વસતી, વિસ્તાર અને વાહનોની સંખ્યા વધવા સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્‌ભવી રહી છે. જેથી રાજ્ય સરકારે મહાનગરપાલિકામાં ૫૪ અને નગરપાલિકામાં ૨૧ મળી ૭૫ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જે મુજબ વડોદરા શહેરમાં મુખ્ય સાત જંકશનો પૈકી સમા તળાવ પાસે નવો ફ્લાય ઓવરબ્રિજ અંગેની ભલામણ હતી. એક્સપ્રેસ-વે તરફથી આવતા વાહનોના કારણે તેમજ સવારે અને સાંજના સમયે સાવલી સહિતના સ્થળે આવેલી મોટી કંપનીના વાહનો તેમજ એસ.ટી., લક્ઝરી બસો તેમજ ભારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્‌ભવે છે.

ખાસ કરીને સવારે અને સાંજે નોકરી છૂટવાના સમયે સમા તળાવ ચાર રસ્તા પાસેના સિગ્નલ પર વાહનોની લાંબી કતારો લાગેલી જાેવા મળે છે. જાે કે,વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ હોવાના કારણે સમાથી હરણી તરફ ઉત્તર પૂર્વ અને જાેડતા નવા ટ્રાફિક લિંક તથા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લેતાં વર્ષ ૨૦૨૫ સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા આયોજન હાથ ધર્યું છે. આ બ્રિજ પાછળ અંદાજે ૪૬.૪૦ કરોડનો ખર્ચ થશે, જે અંગેની મંજૂરી હેતુનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.સમા તળાવના આ જંકશન ખાતે ૩૦ મીટરના રોડ પર ૧૬.૮૦ મીટર પહોળાઈમાં ફોર લેન બ્રિજ ૫૬૦ મીટર લાંબો બનાવાશે. બ્રિજની બાજુમાં ૫.૬ મીટરનો સર્વિસ રોડ તેમજ બ્રિજની નીચે પેવરબ્લોક સાથે પાર્કિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ અમિતનગર સર્કલથી અમદાવાદ જતા રોડ પર હયાત વિશ્વામિત્રી નદી પરના બ્રિજ બાદ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને વધુ એક બ્રિજ બનાવાશે.