વડોદરા, તા.૨૦

રક્ષામંત્રી રાજનાથ સિંહ કારેલી બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે અભ્યુદય યુવા શિબિરમાં સહભાગી બન્યા હતા. તેમણે ગુજરાતને ધાર્મિક, સામાજિક, આદ્યાત્મિક અને આર્થિક ચેતનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું હતું.તેમણે કહ્યું કે, અહીં આવવાથી અનેક અનોખા પ્રકારની સકારાત્મક્તા ઊર્જા મળે છે. અહીંની ભૂમિ પવિત્ર છે. આ ભૂમિએ નરસિંહ મહેતા, દાદુ દયાળ અને સહજાનંદ સ્વામિ જેવી વિરલ વિભૂતિઓએ ભક્તિ માર્ગ પ્રશસ્ત કરી અનેક લોકોને સદ્દમાર્ગે વાળવાનું પુણ્યનું કામ કર્યું હતું.

રક્ષામંત્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ વિભિન્નતામાં એકતાને પ્રસ્તુત કરે છે. ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે, એટલી જ નવીનત્તમ છે. અન્ય મતને સન્માન આપવાનું કામ આપણી સંસ્કૃતિ કરે છે. અનેક ધર્મ, સંપ્રદાય અને મતોને પણ ભારતીય સંસ્કૃતિએ જાળવી રાખ્યા છે. આ જ ભારતીયતાની સાચી નિશાની છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, ભગવાન સ્વામિનારાયણે ગરીબો, દલીતો, પીડિતો અને મહિલાઓની આદ્યાત્મિક ઉન્નતીનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. સવા બસ્સો વર્ષ પૂર્વે તેમણે સમાજમાં ચાલી રહેલી બદીઓને દૂર કરવાનું આહ્વાન કર્યું હતું. શિક્ષાપત્રી જેવો મહાન ગ્રંથ આપી માનવતા, સદ્દગુણો અને આદ્યાત્મિક્તાનો બોધ અમર કર્યો છે. આજના જમાનામાં શિક્ષાપત્રીની પ્રાસંગિક્તા વધી છે. તેમણે જણાવ્યું કે, જેમ મનનું સર્કલ મોટું હોઇ એમ આપણામાં આંતરિક આનંદનો વ્યાસ પણ વધે છે. મન મોટું રાખવાથી શાંતિનો અનુભવ થાય છે. વિવાદ કરવાને બદલે સંવાદ કરવાની તક મળે છે. એકત્વથી ઇશ્વરત્વનો અહેસાસ છે.

જ્ઞાનજીવનદાસજીએ કહ્યું કે, દેશની સરહદોનું રક્ષણ થાય છે, ત્યારે આપણે સૌ શાંતિથી રહી શકીએ છીએ. દેશનું રક્ષણ કરતા આપણા વીર જવાનો દેશનું ઘરેણું છે. આપણે સૌ આપણી ફરજ સારી રીતે નિભાવીએ એ પણ દેશસેવા ગણાશે.આ પ્રસંગે જ્ઞાનજીવનદાસજીએ કરેલી ૨૪૪૦ કલાકની સૌથી લાંબી શ્રી હરિચરિત્રામૃત સાગર કથાને ગિનિઝ બૂક ઓફ રેકોર્ડમાં મળેલા સ્થાનનું પ્રમાણપત્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રદેશ અગ્રણી ભાર્ગવ ભટ્ટ, રાજ્ય મંત્રી મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જીતુભાઈ સુખડીયા, સહિત મહાનુભાવો, વડતાલ ટેમ્પલ ટ્રસ્ટ અધ્યક્ષ સ્વામી દેવ પ્રકાશ દાસજી સહિત સંતો અને હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.