વડોદરા, તા.૨

વડોદરા શહેરભરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે અને આજે પણ મોડી સાંજ થી શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ મળીને ચારેય ઝોન વિસ્તારમાં દબાણ શાખાની ટીમે સામૂહિક રીતે ત્રાટકીને રોડ, રસ્તા, ફૂટપાથ પર ટેબલ ખુરશી સહિતના દબાણો કરીને ટ્રાફીકને અટચણરૂપ બનતી ખાણી-પીણીની લારીઓ સહિત ગલ્લાઓ તથા શેડ બાંધીને ધંધો કરનારાના ટેબલ ખુરશી સહિત લારીઓ અને ગલ્લા મળીને ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. ઉપરાંત આજે પણ મોડી સાંજ થી ગેંડા સર્કલ સહિત વિસ્તારોમાં કાર્યવાહી કરીને ટેબલ-ખુરશીઓ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.

શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં સમી સાંજથી મોડી રાત સુધી ખાણીપીણીને આ લારીઓ ધમધમતી હોંય છે.ખાણીપીણીની લારીવાળા દ્વારા લારી ઉપરાંત ફૂટપાથ પર ટેબલ ખુરશી,શેડ લગાડીને ટ્રાફીકને અટચણરૂપ થાય તે રીતે દબાણો કરતા હોંય છે.આ અંગે પાલિકાને અનેકફરિયાદો મળી હતી.જેથી પાલિકા તંત્ર એક્શનમાં આવતા શુક્રવારે રાત્રે દબાણ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ટેબલ, ખુરશી, શેડ, લારીો વગેરેના દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, એ.એમ.સી. તુવેર તથા વોર્ડના અધિકારીઓ સાથેચારેય ઝોનમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

જેમાં શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો પર ખાણીપીણીની લારીઓ,ટેબલ ખુરશીઓ દૂર કરી હતી.એકાએક દબાણ ટીમ ત્રાટકતી દબાણ કર્તાઓમાં દોડધામ મચી હતી. પાલિકાની ટીમે ટેબલ ખુરશીઓ સહિત હંગામી લારી ગલ્લાના દબાણો પાલિકાની દબાણ શાખા એ કબજે લીધા હતા. જ્યારે આજરોજ મોડી સાંજે દબાણ ટીમ ફરી ત્રાટકી હતી. અને ગેંડા સર્કલ પાસે વૈકલ્પિક જગ્યા ફાળવવા છતા ફરી તેજ સ્થળે ખાણીપીણી સહિતની લારીઓ ઉભી કરી દેતા આજે સાંજે દબાણ ટીમે આ સ્થળે થી ૧૦ જેટલી લારી દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.ઉપરાંત શહેરના વિવધ વિસ્તારોમાંથી પણ દબાણો દૂર કર્યા હતા.