રાજપીપળા,તા.૧૧

નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૩૦ ટકાથી વધુ વરસાદ આજ દિન સુધીમાં નોંધાયેલ છે.હાલ કરજણ જળાશયની સપાટી ૧૦૮.૫૨ મીટરે નોંધાઇ હતી.કરજણ જળાશયમાંથી અંદાજે ૩ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૯ દરવાજા મારફત હાલમાં ૨ લાખ ક્યુસેક પાણીની જાવક શરૂ કરાઇ છે.કરજણ જળાશયમાંથી સરેરાશ ૪૨૯ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. કરજણ ડેમમાંથી આજે પણ છોડાઇ રહેલા પાણીના કારણે નદી કાંઠાના વિસ્તારોના રાજપીપલા શહેર, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછા ગમોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાથે સાવધ રહેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યાં છે.કરજણ ડેમ માંથી ૨ લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રાજપીપલાના કાળકા માતા વિસ્તારના લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી બાજુ કરજણ ડેમના કાંઠા વિસ્તારના ગામોના ખેતરોમાં પાણી ઘુસી જતાં ખેતીના પાકને મોટું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.