કર્મભૂમિ વડોદરામાં ૨૦૧૪ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે
08, જુન 2022 297   |  

વડોદરા, તા.૭

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪ બાદ પ્રથમ વખત સત્તાવાર રીતે આગામી ૧૮ જૂને એરપોર્ટ થી લેપ્રેસી ગ્રાઉન્ડ સુઘી ૫.૫ કિ.મી. રોડ શો યોજશે. ત્યારબાદ સભામાં પણ ચારથી પાંચ લાખ લોકોની જનમેદની સંબોધિત કરશે.તંત્ર દ્વારા વડાપ્રઘાનના આગમનને લઈ તમામ તૈયારીઓ પૂરજાેશ થી શરૂ કરી દીઘી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દિલ્હી સુધીની સત્તાનું સુકાન સંભાળવા દરમિયાન વર્ષ ૨૦૧૪માં વડોદરા બેઠક સાથે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. બંને બેઠકો પર જંગી મતોથી વિજય બાદ તેમણે વડોદરા બેઠક છોડી હતી. તેમણે અનેક વખત કહ્યું છે કે, વડોદરા મારી કર્મભૂમી છે. આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કર્મભૂમી વડોદરામાં વડાપ્રધાન મોદી તા.૧૮ જૂનના રોજ આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૮ મીએ વડોદાર એરપોર્ટથી સંગમ ચાર રસ્તા થઇ લેપ્રસિ ગ્રાઉન્ડ સુધી સાડા પાંચ કિલોમીટરનો રોડ શો યોજાવાના છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો વડોદરામાં આ પ્રથમ સત્તાવાર રોડ શો છે. એટલે કે ૮ વર્ષ બાદ આટલું મોટું આયોજન થઈ રહ્યુ છે. રોડ શો અંગે માહિતી આપતા વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે.

તેમણે એમ પણ કહ્યુ હતુ કે, રોડ શોના સમગ્ર રૂટમાં બંને તરફ ભારતની ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન આ તમામ લોકોનું અભિવાદન ઝિલશે. ત્યાર બાદ લેપ્રેસિ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે. જેમાં ચારથી પાંચ લાખ લોકોની જનમેદની ઉમટશે. જ્યાં ગંગાસ્વરૂપ બહેનો અને લાભાર્થી મહિલાઓ પણ હાજર રહેશે. સાથે જ વડોદરા અને તેની આસપાસના જિલ્લાઓ માંથી પણ લોકો આવશે. તેમના વાહનોની એન્ટ્રી-એક્ઝિટ અંગે પણ તૈયારીઓ કરાઇ રહી છે. એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રૂટ પર રસ્તાઓના પેચવર્ક કરવાથી લઇને વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી, રંગ રોગાણ,તેમજ પેવર બ્લોક સહિત સમગ્ર રૂટ ને સુશોભન કરવાની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ લેપ્રસી ગ્રાઉન્ડને સમથળ કરી ત્યા સ્ટેજ બનાવવાની કામગીરી તેમજ ગ્રાઉન્ડની આસપાસ ની સાફસફાઈ સહિતની કામગીરી શરૂ કરાઈ છે.

આજે મેયર, સાંસદ,ભાજપના અન્ય પદાઘિકારીઓ સંગઠનના અગ્રણીઓ તેમજ મ્યુનિ.કમિશ્નર સહિત પાલિકાના અઘિકારીઓએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી.અને પાર્કિંગ,રૂટ સહિતની ચર્ચા વિચારણા કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution