દિલ્હી-

લીબિયામાં કન્સ્ટ્રક્શન અને ઓઈલ ક્ષેત્રે કાર્યરત સાત ભારતીય નાગરિકોનું આતંકવાદીઓએ અપહરણ કરી લીધું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે બધા જ નાગરિકોને હેમખેમ પાછા લઈ આવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સરકાર લીબિયન અધિકારીઓ સાથે સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એક નિવેદનમાં જાણકારી આપી હતી કે 13મી સપ્ટેમ્બરે વિઝાની અવિધ પૂરી થઈ જતાં આ ભારતીય નાગરિકો ભારત આવવાની ફ્લાઈટ પકડવા નીકળ્યા હતા. એ વખતે રસ્તામાંથી જ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે લીબિયન ઓથોરિટી સાથે સંપર્ક કરીને અપહૃત નાગરિકોને બને એટલી ઝડપથી છોડાવવાની કોશિશ શરૂ કરી હોવાનું તેમણે કહ્યું હતું.

વિદેશ મંત્રાલયે નાગરિકોના પરિવારજનોને આશ્વાસન આપતા કહ્યું હતું કે ટૂંક સમયમાં આ તમામ નાગરિકો ભારત આવી જશે. વિદેશ મંત્રાલયે નાગરિકોની ઓળખની પ્રક્રિયા હાથ ધરીને તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. વિદેશ મંત્રાલયના દાવા પ્રમાણે ભારતને અપહૃત નાગરિકોના ફોટો બતાવવામાં આવ્યા છે. એ મુજબ બધા જ નાગરિકો સુરક્ષિત છે. અપહરણકર્તાઓએ આ નાગરિકોના ફોટો તેમની કંપનીઓને બતાવીને સલામત હોવાનું જણાવ્યું હતું. એ પછી ખંડણીની ડિમાન્ડ મૂકી હતી.

ભારતીય નાગરિકોનું અશવરીફ નામના સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કોણે કર્યું તે અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કોઈ જ જાણકારી આપી ન હતી, પરંતુ સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે આતંકવાદીઓએ આ નાગરિકોનું અપહરણ કર્યું છે અને કંપની પાસે 20 હજાર ડોલરની ખંડણી માગી છે. કંપની એ ખંડણી આપવા તૈયાર હોવાનું પણ કહેવાય છે.