દેવગઢબારિયા/ઝાલોદ, ઝાલોદના અત્યંત ચકચારી હિરેન પટેલ ની હત્યા ના કેસમાં હરિયાણાના મેવાત વિસ્તારનામાંથી હત્યાનો મુખ્ય સૂત્રધાર ઇમરાન ગુડાલા ઉર્ફે ઇમુ ડાંડ ઝડપી પાડી હાથ ધરેલ પૂછપરછમાં દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર અમિતભાઈ કટારા નું નામ ખુલતા આ હત્યા કેસમાં અમિત કટારા સામેલ હોવાનો ઘટસ્ફોટ થતાં ઝાલોદના રાજકીય આલમમાં ભૂકંપ સર્જાવા પામ્યો છે. 

કેસની તપાસ મંથર ગતિએ ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઝાલોદની તથા મૃતક હિરેન પટેલના ઘરની બબ્બેવાર લીધેલ મુલાકાત બાદ તેઓએ ફરમાવેલ આ હત્યા કેસના મૂળ સુધી જવાના આદેશ બાદ દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત એ.ટી.એસના વડા હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં ગુજરાત એ.ટી.એસ નું આગમન થયું હતું અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સાથે તપાસમાં જાેતરાઇ સમગ્ર દેશમાં અલગ અલગ ટીમો બનાવી હિરેન પટેલ હત્યા કેસના સંડોવાયેલા આરોપીઓને શોધવામાં જાેતરાઈ હતી અને બીજા જ દિવસે હરિયાણા ના મેવાત વિસ્તારમાંથી આ હત્યાકાંડ નો મુખ્ય સૂત્રધાર ઇમરાન ગુડાલા ઉર્ફે ઇમુ ડાંડ ઝડપી પાડી હાથ ધરેલ પૂછપરછમાં દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર અમિતભાઈ કટારા નું નામ ખુલતા આ હત્યા કેસમાં અમિત કટારા સામેલ હોવાનો ઘટસ્ફોટ થતાં ઝાલોદના રાજકીય આલમમાં ભૂકંપ સર્જાવા પામ્યો છે. ઇમરાન ગુડાલા એ પોલીસની કડકાઈ ભરી પૂછપરછમાં દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર અમિત કટારા ના કહેવાથી પોતે અજય કલાલ સાથે મળીને ગોધરાના ઇમરાન પાડાને હિરેન પટેલ ની હત્યા કરવા માટે સોપારી આપવામાં અને ઇમરાન પાડાને મરનાર હિરેન પટેલ નું ઘર બતાવવા સુધીની ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું અને અમિત કટારા ના કહેવાથી અજય કલાલ ની સાથે રહીને આ હત્યાના કાવતરામાં પોતે બરાબર સામેલ હોવાનું જણાવ્યું હતું.

આમ આ હત્યાકાંડ ના મુખ્ય સૂત્રધાર ઇમરાન ગુડાલાની પૂછપરછમાં દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિતભાઈ કટારાનું નામ ખુલતા આ અત્યંત ચકચારી હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયાનું મનાઈ રહ્યું છે. હાલ હિરેન પટેલ હત્યા કાંડના મુખ્ય સૂત્રધાર ઇમરાન ગુડા લાને દાહોદ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હત્યાના આ કેસમાં અન્ય રાજકીય આગેવાનની સંડોવણી ની પણ ચર્ચાઓ છે.