ડાંગ-
પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત વિધિવત રીતે ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રધાન ગણપત વસાવા, પ્રધાન ઈશ્વર પરમાર, પૂર્વ પ્રધાન કરશન પટેલ અને સાંસદ કે. સી. પટેલની હાજરીમાં ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે આહવા ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતનાં 8 કોંગી ધારાસભ્યોએ અચાનક રાજીનામુ ધરી દેતા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. જેમાંથી 5 ધારાસભ્યોએ કેસરિયો ધારણ કરી લીધો હતો. આ 5 ધારાસભ્યને હાલમાં વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ તરફથી ટિકિટ પણ આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના કપરાડાનાં જીતુ ચૌધરી અને ડાંગનાં મંગળ ગાવીતે પણ રાજીનામું ધરી દીધુ હતુ.
કપરાડાનાં પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ અગાઉ કેસરિયો ધારણ કરી લેતા તેને ભાજપ પક્ષ દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. લેતી દેતીમાં કોંગ્રેસનો છેડો ફાડનારા ડાંગ જિલ્લાનાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે કેસરિયો ધારણ નહોતા કર્યો. આમ છતાં પણ તેમને ભાજપ પક્ષ ટિકિટ ફાળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ ભાજપ પક્ષ દ્વારા સતત પાંચમી ટર્મ માટે વિજય પટેલને ટિકિટ આપવામાં આવતા મંગળ ગાવીતની મનની મુરાદ મનમાં જ રહી જવા સાથે તેમની સ્થિતિ ન ઘર કી ન ઘાટ કી જેવી સર્જાઈ હતી.
બીજી તરફ ડાંગ કોંગ્રેસનાં કદાવર નેતા ચંદર ગાવીતને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટ ન ફાળવતા ગ્રાઉન્ડ લેવલનાં કાર્યકર્તાઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે ભાજપામાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપામાં જોડાયેલા પક્ષ પલટુ આગેવાનોનાં પગલે કેવા સમીકરણો રચાશે તે તો અગામી સમય જ બતાવશે.