વડોદરા-

વડોદરા-હાલોલ રોડ પર આવેલ કેમરોક કંપનીના પૂર્વ એમ.ડી. પાસે દુબઈ સ્થિત જાેહર અબ્બાસના નામે રૂા.પ કરોડની વસૂલાત માટે ધમકી આપી તેમના નિવાસસ્થાને પહોંચેલા ઈન્દોર અને સુરતના ત્રણ શખ્સો સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગોત્રી પોલીસે ગુનો નોંધી પોલીસે ચાર પૈકી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેય શખ્સોના કોરોના ટેસ્ટ કરાવતાં જે નેગેટિવ આવતાં તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે ગુના સંદર્ભે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસ વર્તુળમાંથી આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે આવેલ એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં કેમેરોક ઈન્ડસ્ટ્રીના પૂર્વ એમ.ડી. કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલ રહે છે. ગત તા.પમી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે કલ્પેશ પટેલ પર ફોન આવ્યો હતો કે ઈન્દોરથી ફકરુદ્દીન ઝોરાવાલા બોલું છું, મારે તમને મળવું છે. જેથી કલ્પેશ પટેલે શું કામ માટે મળવું છે અને તમારી ઓળખાણ આપો તેમ જણાવતાં ફકરુદ્દીને મારે ફક્ત મળવું છે તેમ કહેતાં કલ્પેશ પટેલે મળવા માટેનો ઈન્કાર કરી દીધો હતો.

ગત તા.૧૪મી સપ્ટેબરના રોજ કલ્પેશ પટેલ આણંદ જિલ્લાના વગાસી ગામે રહેતા તેમના ભાઈ મોહનીશ પટેલની ઓફિસે મળવા માટે ગયા હતા તે વખતે બપોરના સમયે દોઢ-એક વાગ્યાની આસપાસ ફકરુદ્દીન ઝોરાવાલા, હબીબ અને કૃતાબ નામના ત્રણ શખ્સો મોહનીશ પટેલની ઓફિસમાં ધસી આવ્યા હતા, જ્યાંઅમે તમારા ઘરે પણ ગયા હતા, અમે દુબઈના જાેહર અબ્બાસના રૂપિયા વસૂલવા આવ્યા છીએ અને તમારી જે કંઈ પણ મિલકત હોય તે જાેહર અબ્બાસના નામે કરી આપો અને તાત્કાલિક રૂા.પ કરોડ આજે ને આજે જ વ્યવસ્થા કરી દો. કાલે દુબઈથી ફોન આવશે એટલે પૈસા લેવા આવીશું, તમે રૂપિયા તૈયાર રાખજાે તેમ કહી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.

આ ત્રણેય શખ્સો ધમકી આપીને જતા રહ્યા બાદ આણંદ ખાતે રહેતા કલ્પેશ પટેલના મિત્ર નીતિન પરમારના વોટ્‌સએપ ઉપર દુબઈના નંબર પર એક મેસેજ આવ્યો હતો જેમાં મિટિંગનો ટાઈમ મોકલવા જણાવ્યું હતું, જે મામલે કલ્પેશ પટેલ અને તેમના પત્ની સાથે વકીલને મળવા માટે ગયા હતા, એ દરમિયાન આ ત્રણેય શખ્સો કલ્પેશ પટેલના નિવાસસ્થાને આવ્યા હતા. જેનો મેસેજ વોચમેને કલ્પેશ પટેલને આપ્યો હતો અને દુબઈથી ફોન આવે તો ઉઠાવતા નહીં, નહીં તો તમને અને તમારા પરિવારને ભારે પડશે તેવી ધમકી આપી જતા રહ્યા હતા. ગઈકાલે શુક્રવારની સવારે ફકરુદ્દીન ઝોરાવાલા કલ્પેશ પટેલના ઘરે ધસી આવ્યો હતો અને રૂા.પ કરોડની માગણી કરી સગગડ થઈ કે નહીં તેમ કહી અમને રૂપિયા આપી દો, નહીં તો મારી નાખીશું તેવી ધમકી આપતાં કલ્પેશ પટેલે આ સમગ્ર બનાવની જાણ ગોત્રી પોલીસ મથકે કરી હતી. તે બાદ પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.

કેમરોક ઈન્ડસ્ટ્રીઝના ફુલેકાબાજ કલ્પેશ પટેલ સાથે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઈ હતી

કેમરોક ઈન્ડસ્ટ્રીઝને વર્ષ ૨૦૦૬માં નેશનલ એરોસ્પેસ લેબોરેટરીએ કાર્બન ફાયરના ઉત્પાદનની મંજૂરી આપી હતી. જેના માટે કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલે રૂા.૧૬૦૦ કરોડની વધારાની વિવિધ બેન્કો પાસેથી લોન લીધી હતી. ત્યાર બાદ આસોજ ખાતે કંપની શરૂ કરી હતી. જાે કે, વર્ષ ૨૦૧૧માં કંપની ફડચામાં જતાં એનપીએ જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ કલ્પેશ પટેલ ફરાર થઈ ગયો હતો. આ મામલે આઈસીઆઈસીઆઈ બેન્કે રૂા.૧૨૦ કરોડની છેતરપિંડીના મામલે ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે કલ્પેશ પટેલ સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યુ કરાઈ હતી.

ધમકી આપનારા ત્રણેય આરોપીઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કેમરોક કંપનીના પૂર્વ એમ.ડી. કલ્પેશ પટેલને ધમકી આપી રૂા.પ કરોડની વસૂલી માટે આવેલા ઈન્દોર અને સુરતના ત્રણ શખ્સોની અટકાયત કર્યા બાદ ત્રણેય ફકરુદ્દીન, હબીબ, કૃતાબને કોરોનાના ટેસ્ટ માટે ગોત્રી પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં આ ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુના મામલે પૂછપરછ હાથ ધરતાં તેઓ ઈલેકટ્રિશિયન ધંધા સાથે જાેડાયેલા હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસને જાણવા મળ્યું હતું.