વડોદરા, તા.૨૯

વડોદરાની વિશ્વવિખ્યાત ફાઈન આર્ટસ ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિલ્પકલા અને પ્રિન્ટમેકિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીયખ્યાત કલાકાર વિવાન સુંદરમ્‌નું નવી દિલ્હી ખાતે આજે સવારે ૯ કલાકે અવસાન થયું હતું. આ સમાચારે કલાનગરી વડોદરાના કલાકારો અને ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આંતરરાષ્ટ્રીયખ્યાત ચિત્રકાર પદ્મશ્રી ગુલામ મહોમદ શેખે આજે આ દુઃખદ સમાચાર સ્થાનિક કલાકારોમાં વહેતા કરી પોતાના અત્યંત નિકટના મિત્ર અને સંવેદનશીલ પ્રતિભાશાળી કલાકાર વિવાન સુંદરમ્‌ના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. કલાક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતા વિવાન સુંદરમ્‌ની વડોદરા સાથેના સંસ્મરણો વાગોળી વડોદરાના અનેક કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આવતીકાલે સવારે ૧૨.૦૦ વાગ્યે નવી દિલ્હી ખાતે લોધી સ્મશાનગૃહમાં સ્વ.ના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.