નર્મદા ડેમમાં ચાર લાખ ક્યૂસેક પાણીની આવક 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025  |   નર્મદા   |   10494

ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ચાર લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેને કારણે તેની સપાટીમાં દસ સેન્ટિમીટરનો વધારો થયો છે. હાલમાં ડેમની સપાટી ૧૩૫.૫૮ મીટરે પહોંચી છે. ડેમમાં હાલમાં ૮૯.૭૫ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે.


રાજ્યમાં આ વર્ષે ચોમાસુ મન મૂકીને વરસ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના 82 ડેમ 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે, જ્યારે 113 ડેમ હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને 68 ડેમ 70 થી 100 ટકાની વચ્ચે ભરાયા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.


પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 23 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ વર્ષમાં ત્રીજી વખત ડેમના 15 દરવાજા 2.45 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.



© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution