ગોહાટી-

ભારતીય લશ્કરને આસામમાં એક મોટી સિદ્ધિ મળી હતી. લશ્કરના ગુપ્તચર વિભાગે આપેલી બાતમી મુજબ આતંકવાદ વિરોધી પગલાં દરમિયાન ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ)ના ખતરનાક નેતા ધ્રિષ્ટિ રાજખોવા અને બીજા ચાર આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

રાજખોવા ઉપરાંત વેદાંતા, યાસિન અસોમ, રોપજ્યોતિ અસોમ અને મિથુન અસોમ પણ શરણે આવ્યા હતા. લશ્કરને તેમની પાસેથી વિપુલ પ્રમાણમાં દારુગોળો મળ્યો હતો. છેલ્લા થોડાક મહિનાથી આ રીઢા આતંકવાદીઓને ઝડપી લેવા ભારતીય લશ્કર સતત પ્રયત્ન કરી રહ્યું હતું. લશ્કરી ગુપ્તચર સેવાએ આપેલી બાતમીના આધારે આતંકવાદ વિરોધી પગલાં લેવાઇ રહ્યા હતા. ઉલ્ફામાં રાજખોવા નંબર ટુના સ્થાન પર હતા. કેટલીક મોટી આતંકવાદી ઘટનાઓ માટે પોલીસને તેમજ સિક્યોરિટી દળોને એની તલાશ હતી.

રાજખોવા ઉલ્ફાના વડા પરેશ બરુઆના જમણા હાથ જેવો સાથીદાર હોવાની માન્યતા હતી. છેલ્લા ઘણા સમયથી રાજખોવા બાંગ્લા દેશમાં છૂપાયો હતો. તાજેતરમાં એ મેઘાલય પહોંચ્યો હતો. છેલ્લે એ જાફલોંગ પાસે દેખાયો હતો. યોગાનુયોગે એ અરસામાં પાકિસ્તાની આતંકવાદી ઇમરાન સિદ્દીકી પણ ત્યાં હતો એટલે સિક્યોરિટી દળોને શંકા હતી કે આ બંને સાથે મળીને કોઇ મોટા આતંકવાદી હુમલાની યોજના ઘડી રહ્યા હતા. જાે કે બંને વચ્ચે કોઇ બેઠક થઇ હોવાના પુરાવા મળ્યા નહોતા.

ઉલ્ફા છેલ્લાં ઘણાં વરસોથી સ્વતંત્ર આસામ માટે લડત ચલાવી રહ્યું હતું. 1990થી કેન્દ્ર સરકારે એને આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી હતી અને એની પ્રવૃત્તિઓને ગેરકાયદે જાહેર કરી હતી. ઉલ્ફાએ પણ ઇસ્લામી આતંકવાદીઓની જેમ ખૂબ લોહી રેડ્યું હતું.