વડોદરા : ગાંધીનગર અને આણંદમાં રહેતા યુવતી સહિત છ વ્યકિતઓને જીઈબીમાં નોકરી અપાવવાની લાલચ આપીને વડોદરા ભાજપાનો પુર્વ અગ્રણી તેમજ અગાઉ ઠગાઈ, આર્મ્સએક્ટ અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા નામચીન હર્ષિલ લિમ્બાચિયાએ રોકડા ૪૫ લાખ રૂપિયા લીધા બાદ તેઓને નોકરી નહી લગાવી ઠગાઈ કરી હતી. આ ઠગાઈ બાદ નાણાંની ઉઘરાણી કરતા લોકોને હર્ષિલે ગઈ કાલે માંજલપુર વિસ્તારમાં સમાધાનના બહાને બોલાવીને તેઓની પર ભાડૂતી ગુંડાઓ મારફત હુમલો કરાવ્યો હતો અને કારની તોડફોડ કરી હતી. આ બનાવની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટોળા સામે ગુનો નોંધી તે પૈકીના હર્ષિલ સહિત બેની ધરપકડ કરી હતી.
ગાંધીનગરના સેક્ટર-૨૩માં રહેતા ખાનગી કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જબ્બરસિંહ ગંભીરસિંહ રાઠોડને ગત જુલાઈ માસમાં ગાંધીનગર સર્કિટ હાઉસમાં તેમના મિત્ર પાર્થ રબારી મારફત ૨૮ વર્ષીય હર્ષિલ પ્રવિણ લિમ્બાચિયા (સિધ્ધેશ્વર હેવન, સીએમ પટેલ ફાર્મની સામે, કલાલી) સાથે પરિચય થયો હતો. હર્ષિલે તેમને જણાવ્યું હતું કે ગાંધીનગરમાં સરકારી ખાતામાં મારી સારી ઓળખાણ છે અને તમારે કોઈ પણ સરકારી નોકરી લગાવવી હોય તો હું તમારુ કામ કરી આપીશે. તેની વાકછ્ટાના પ્રભાવમાં આવેલા જબ્બરસિંહે ‘મારા સાળા વિજયસિંહ રાઉલજીએ લોકડાઉન પહેલા જીઈબીમાં પરીક્ષા આપી છે ’ તેમ કહેતા જ હર્ષિલે જણાવ્યું હતું કે હું તમારુ કામ કરી આપીશ, જાે તમે મને છ લાખ રૂપિયા એડવાન્સમાં આપશો તો હું તમારા સાળાનો ઓર્ડર પાંચ દિવસમાં કરાવી આપીશ.
તેની વાત પર ભરોસો મુકી જબ્બરસિંહે ગત ૭મી જુલાઈએ ગાંધીનગરમાં નાનાચિલોડા પાસે હર્ષિલે મોકલેલા માણસને રોકડા છ લાખ આપ્યા હતા. હર્ષિલ સરકારી નોકરી લગાવી આપતો હોવાની જબ્બરસિંહના અન્ય સંબંધીઓ-પરિચિતોને જાણ થતાં તેઓએ પણ હર્ષિલનો સંપર્ક કર્યો હતો અને હર્ષિલે સરકારી નોકરીની લાલચ આપીને એક યુવતી સહિત છથી વધુ લોકો પાસેથી વધુ ૩૯ લાખ રોકડા ઉઘરાવી લીધા હતા. કુલ ૪૫ લાખ રૂપિયા રોકડા લીધા બાદ હર્ષિલ તમામ નોકરીવાંચ્છુંકોને ગોળગોળ જવાબ આપતા હોઈ તેઓને છેતરાયા હોવાની ખાત્રી થઈ હતી. તેઓએ હર્ષિલ પાસે તેઓના પૈસાની ઉઘરાણી શરૂ કરતા ગઈ કાલે હર્ષિલે તેઓને હાઈવે પર કપુરાઈચોકડી પાસે બોલાવ્યા હતા. વાતચિત દરમિયાન બોલાચાલી થતા હર્ષિલે ફોન કરીને તેના આઠથી દસ ભાડૂતી ગુંડાઓને ત્યાં બોલાવ્યા હતા અને તેઓ હુમલો કરે તેમ લાગતા જબ્બરસિંહે મોબાઈલમાં વિડિઓ રેકોર્ડિંગ શરૂ કરતા જ હર્ષિલ અને તેના સાગરીતો ત્યાંથી રવાના થયા હતા. થોડીવાર બાદ હર્ષિલે ફોન કરીને જબ્બરસિંહને માંજલપુર દરબાર ચોકડીથી સેલ્સ ઈન્ડિયાના શો રૂમ પાસે બોલાવતા જબ્બરસિંહ સહિત છ લોકા બપોરે બે કારમાં માંજલપુર પહોંચ્યા હતા. જબ્બરસિંહ અને તેમના સંબંધીઓએ હર્ષિલ પાસે નાણાંની માગણી કરતા જ હર્ષિલ અને તેના આઠથી દસ ભાડૂતી ગુંડાની ટોળકીએ લાખંડની પાઈપ અને પથ્થરો વડે લેણદારો પર હુમલો કર્યો હતો અને જબ્બરસિંહને માર મારી તેમની કારમાં ગોબા પાડી ૭૦ હજારનું નુકશાન પહોંચાડ્યું હતુ અને તમામ હુમલાખોરો ફરાર થયા હતા. આ બનાવની જબ્બરસિંહે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હર્ષિલ સહિતના ટોળા સામે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધ્યો હતો.
હર્ષિલ લિમ્બાચિયાને કયા ભાજપા અગ્રણીનું પીઠબળ ?
નામચીન હર્ષિલ લિમ્બાચિયા કોલેજકાળથી ભાજપા સાથે સંકળાયેલો છે અને તેણે અનેક ભાજપા અગ્રણીઓ તેમજ પોલીસ અધિકારીઓ સાથે ફોટા પાડી તેને પોતાના ફેસબુક અને વોટ્સએપ એકાઉન્ટમાં મુક્યા છે. આ ફોટા બતાવીને તેણે લોકોને આંજી દઈ ૪૫ લાખ જેવી માતબર રોકડ પડાવી લીધી છે. હર્ષિલને શહેરના જ ભાજપા અગ્રણીઓ સાથે ઘેરાબો છે અને તે ચુંટણીના સમયે તેના ગોડફાધરના પ્રચાર માટે તેના લુખ્ખાતત્વોની ટોળકી સાથે સતત હાજર રહ્યો હોઈ આ ગોડફાધરના આર્શિવાદના કારણે તેનો હજુ સુધી વાળ વાંકો થયો નથી કે તેને હજુ સુધી શહેર પોલીસ પાસામાં પણ અટકાયત કરી શકી નથી.
હર્ષિલ સહિત પાંચ આરોપીઓની મોડી સાંજે અટકાયત
૪૫ લાખની ઠગાઈ બાદ લેણદારો પર હુમલાના બનાવની માંજલપુર પોલીસના પીઆઈ બી જી ચેતરિયાએ તપાસ કરી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી હર્ષિલ લિમ્બાચિયા તેમજ તેના સાગરીતો સાહુલ દિનેશ સિન્હા (રામાનંદ ડુપ્લેક્સ,દરબાર ચોકડી પાસે), ૨૦ વર્ષીય વિવેક મયુર પટેલ, ૨૩ વર્ષીય સુરેશ કાંતિભાઈ રાઠોડ અને ૨૯ વર્ષીય અર્જુન ડાહ્યાભાઈ રાઠોડ (ત્રણેય રહે. ટેકરાફળિયું, વડસર ગામ)ને આજે ઝડપી પાડ્યા હતા. કોરોના ટેસ્ટના રિપોર્ટ બાદ પાંચેય આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાશે.
હર્ષિલની ઠગાઈ, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં પણ સંડોવણી
મ.સ.યુનિ.માં તેમજ શહેર ભાજપાના યુવા મોરચામાં હોદ્દેદાર રહી ચુકેલો નામચીન હર્ષિલ લિમ્બાચિયા વિરુધ્ધ ગત ૨૦૧૨માં સયાજીગંજ પોલીસ મથકમાં બોગસ માર્કશીટ બનાવી આપી ઠગાઈ કરવાનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ૨૦૧૬માં તેની વિરુધ્ધ વરણા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તેમજ લુંટ અને હુમલાનો અને ત્યારબાદ થોડાક સમય અગાઉ આણંદ ટાઉન પોલીસ મથકમાં અમુલ પાર્લર કેસમાં પણ તેની વિરુધ્ધ ઠગાઈ અને બોગસ દસ્તાવેજનો ગુનો નોંધાયો હતો અને આણંદ પોલીસે તેની હરણી એરોડ્રામ પરથી ધરપકડ કરી હતી.
Loading ...