પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની સક્રિય ભાગીદારીથી વિકસિત ભારતનું નિર્માણ: સંઘવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026  |   1980

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ‘બિઝનેસ વુમન કમિટી’ના સંયુક્ત ઉપક્રમે ‘નારી શક્તિ વંદન સંમેલન’યોજાયું હતું. નારી શક્તિ વંદન સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સંસદમાં રજૂ થનાર ‘નારી શક્તિ વંદન બિલ’ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ ભારતની આવનારી પેઢીઓ આ ઐતિહાસિક ર્નિણય માટે કાયમ આભારી રહેશે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સરહદી ગામડાઓની બહેનો આજે બનાસ ડેરીના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે અદભૂત નેતૃત્વ પૂરું પાડી રહી છે, જે તેમના આત્મવિશ્વાસનું પ્રતીક છે. મેનેજમેન્ટના પાઠ શીખવા માટે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી, એક માતા જે રીતે આખા પરિવારને એક રાખે છે અને ઘરનું સંચાલન કરે છે તે વિશ્વના શ્રેષ્ઠ મેનેજમેન્ટ ક્લાસ સમાન છે.

તેમણે બહેનોને આહવાન કર્યું હતું કે તમે ઘર, બિઝનેસ, મેડિકલ કે પોલિટિકલ, ગમે તે ફિલ્ડમાં હોવ, તમારી લીડરશીપ મજબૂત બનાવો. રાજનીતિ એ લોકોના દુ:ખ દૂર કરવાનું અને સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, જેમાં મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. નારી શક્તિ વંદન બિલ પાસ થવાની સાથે જ દેશની કરોડો મહિલાઓનો અવાજ વધુ બુલંદ થશે અને આવતીકાલનો સૂર્યોદય મહિલા સશક્તિકરણ માટે નવી આશા લઈને આવશે એમ તેમણે ઉમેર્યું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution