વડોદરા, તા.૧૪

વડોદરા શહેરમાં ભરઉનાળે ઓછું પાણી મળતું હોવાથી ફરિયાદો વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલમાં આવતીકાલથી સાત દિવસ સુધી સમારકામની કામગીરી થવાની હોવાને પગલે વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ લોકોને ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી મળશે, જેથી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા મુખ્ય કેનાલનું સમારકામ તા.૧૫ થી ૨૧ એપ્રિલ ૨૦૨૨ સુધી કરવામાં આવશે. જેથી આ કેનાલને સંલગ્ન વડોદરા બ્રાન્ચ કેનાલમાં પાણીની અછત ઊભી થશે. જેથી શેરખી ઇન્ટેક વેલ ખાતેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો થશે જેના કારણે ૧૫ થી ૨૧ એપ્રિલ સુધી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી મેળવતી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની ગાયત્રીનગર ટાંકી, હરિનગર ટાંકી, વાસણા ટાંકી, તાંદલજા ટાંકી અને દક્ષિણ વિસ્તારની જીઆઈડીસી ટાંકી, માંજલપુર ટાંકીઓના કમાન્ડ વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતા મુજબ હળવા દબાણથી ઓછા સમય માટે અને વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના લોકોને પાણીનો સંગ્રહ કરીને કરકસરયુક્ત ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં ૩ વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઊભી થઇ હતી, જેને લઇને અનેક વખત પાણીકાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત ભંગાણને કારણે પણ અનેક વખત પાણીકાપ જાહેર કરવામાં આવે છે અને લોકો કેટલાક દિવસો સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણીકાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર ભરઉનાળે પાણીકાપના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.